સોમનાથ.
ગુજરાતમાં સોમનાથ ખાતે ગઇકાલથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો શુભારંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે મોડી સાંજે તામિલનાડુથી આવેલા મહેમાનોની પ્રથમ બેચ સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. મંદિરની બહાર ઢોલ અને શરણાઇથી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતીય સંગીતના સૂરોમાં સમગ્ર માહોલ રંગાયો હતો.
જે બાદ મહેમાનોને મંદિરમાં લઇ જવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિનો સંગમ દર્શાવતા વિવિધ ભીંતચિત્રોથી સોમનાથ મંદિરનું પ્રાંગણ સજાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનોને આ ભીંતચિત્રો પાસેથી મંદિરની અંદર લઇ જવામાં આવ્યા હતા. બંને સંસ્કૃતિનું સાયુજ્ય દર્શાવતા આ ચિત્રોને તેઓએ રસપૂર્વક નિહાળ્યા હતા.

તમામ મહેમાનો એકસાથે મહાદેવની સંધ્યા આરતીનો લાભ લઇ શકે તે માટે મંદિરમાં ખાસ LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. તામિલનાડુથી પધારેલા મહેમાનો સ્ક્રીન પર મહાદેવની આરતી અને પૂજા જોઇને ભાવવિભોર થઇ ગયા હતા. આરતીના સમયે તેઓના ‘જય સોમનાથ’ ના નાદ સાથે સોમનાથ મંદિર ગૂંજી ઉઠ્યું હતું. ખૂબ ભાવથી તે લોકોએ સંધ્યા આરતી કરી હતી. જે બાદ તેઓને બે અલગ ગ્રુપમાં સોમનાથ મંદિરમાં મહાદેવના લિંગના દર્શન કરવા માટે લઇ જવામાં આવ્યા હતા.
મંદિરમાં દર્શન કર્યા બાદ તમિલ મહેમાનો માટે લાઇટ એન્ડ સાઉન્ડ શૉની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ માટે ખાસ અંગ્રેજી ભાષામાં લાઇટ એન્ડ સાઉન્ડ શૉ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને નેરેટર તરીકે પોતાનો અવાજ આપ્યો છે. આ અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ દ્વારા મહેમાનોએ સોમનાથ મંદિરના સમગ્ર ઇતિહાસ વિશે જાણકારી મેળવી.
સોમનાથ મંદિર અને પ્રભાસ ક્ષેત્રનો અતથી ઇતિ ઇતિહાસ તેઓને જાણવા મળ્યો હતો. આ આયોજનથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના મહેમાનો ખૂબ ખુશ થયા હતા અને તેમણે સમગ્ર આયોજન મનભરીને માણ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સોમનાથ ખાતે 17થી 30 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આયોજિત થવાનો છે, જેમાં તામિલનાડુથી આવતા મૂળ સૌરાષ્ટ્રના લોકો માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે.