સોમનાથ:
સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ કાર્યક્રમમાં તામિલનાડુથી પધારેલા મહેમાનો માટે સોમનાથના દરિયાકાંઠે ખાસ બીચ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના સમયે આયોજિત આ બીચ સ્પોર્ટ્સમાં તામિલનાડુથી પધારેલા મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમતનો આનંદ તેમના ચહેરા પર વર્તાઇ આવતો હતો.
બીચ સ્પોર્ટ્સ ઉપરાંત દરિયાકિનારે તામિલ મહેમાનો માટે રેત શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 34 જેટલા કલાકારો દ્વારા વિવિધ રેતીના શિલ્પોનું સર્જન કરવામાં આવ્યું છે. આ રેતી શિલ્પોમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમનો લોગો, ગણપતિજી, નટરાજનું શિલ્પ તેમજ G20નો લોગો જેવા શિલ્પો મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ રેતીશિલ્પોને મહેમાનોએ રસપૂર્વક નિહાળ્યા હતા.

આ સાથે જ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત સોમનાથમાં હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ પ્રદર્શનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. લગભગ ૬૦ જેટલા વિવિધ સ્ટોલમાં કચ્છી એમ્બ્રોઇડરી, તમિલ કલમકારી, એપ્લિક વર્ક, વુડન આર્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે હેન્ડલૂમ અંતર્ગત તામિલ મહેમાનો માટે પટોળા વણાટ, હાથવણાટની નાની અને મોટી લૂમ સાથે લાઇવ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.
તમિલ મહેમાનોએ હાથવણાટની પ્રવૃત્તિને નિહાળી હતી અને તેના વિશે જાણકારી મેળવી હતી. તામિલથી આવેલી મહિલાઓએ કચ્છી એમ્બ્રોઇડરીમાં રસ દાખવ્યો હતો અને તેના વિશે માહિતી મેળવી હતી. હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલૂમ પ્રદર્શન ગુજરાતના સ્થાનિક કલાકારોને પોતાની કૃતિઓના વેચાણ માટે એક મંચ પૂરું પાડે છે અને તેમના માટે રોજગારીની તકો પણ ઊભી કરે છે.