Junagadh News: ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના હુમલાના કેસમાં હવે સામાજિક ગરમાવો આવ્યો છે. ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના પગલે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
થોડા સમય પૂર્વે જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ જાડેજા અને તેના સાથીદારો દ્વારા સંજય સોલંકી પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગણેશ ગોંડલ સહિત સાત થી વધુ શખ્સો સામે આઈપીસીની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ દલિત સમાજ દ્વારા આરોપીઓની ધરપકડ માટે મોટા પાયે આંદોલનો અને દેખાવો કરવામાં આવ્યા હતા.
વ્યક્તિગત સમાધાન સામે સામાજિક વિરોધ
તાજેતરમાં ગણેશ જાડેજા અને ફરિયાદી રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયાના વીડિયો વાયરલ થયા છે. જેનો વિરોધ કરતા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે, એટ્રોસિટી એક્ટ એ સામાજિક સુરક્ષા માટેનો કાયદો છે અને તેમાં વ્યક્તિગત રીતે સમાધાન કરવાની કોઈ જોગવાઈ નથી. જો આવા ગંભીર ગુનાઓમાં સમાધાન સ્વીકારવામાં આવશે તો ભવિષ્યમાં ગુનેગારો બેફામ બનશે અને કાયદાનો ભય રહેશે નહીં.
કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડીયાના નેતૃત્વમાં અપાયેલા આવેદનપત્રમાં મુખ્ય બે માંગણીઓ કરવામાં આવી છે:
- 1) આ કેસની કાયદાકીય લડત માટે સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) ની નિમણૂક કરવામાં આવે.
- 2) સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાધાનના વીડિયોને પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી ન્યાયતંત્ર આરોપીઓ સામે કડક વલણ અપનાવી શકે.
કાયદાકીય સ્થિતિ
કાયદાના નિષ્ણાંતોના મતે એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનાઓ બિન-સમાધાનપાત્ર (Non-Compoundable) હોય છે. ફરિયાદી ભલે નરમ પડે, પરંતુ કાયદેસરની પ્રક્રિયા કોર્ટમાં ચાલુ રહે છે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આ લડાઈ માત્ર બે વ્યક્તિઓની નથી પણ સમગ્ર સમાજના સ્વાભિમાનની છે. હાલમાં આ મુદ્દો સામાજિક અને રાજકીય રીતે વધુ તેજ બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને સરકાર સમાજની આ માંગણીઓ પર શું નિર્ણય લે છે.
