Junagadh Mahadev Bharti Bapu News: સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ 80 કલાકના મેગા સર્ચ ઓપરેશન બાદ આખરે ગીરનારના ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી સહીસલામત મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બાપુના ગુમ થવાને પગલે તેમના દ્વારા લખવામાં આવેલી પાંચ પાનાની સ્યૂસાઇડ નોટે અનેક રહસ્યો ખોલ્યા હતા, જેના આધારે પોલીસે વ્યાપક તપાસ હાથ ધરી હતી અને બાપુને સુરક્ષિત શોધવા માટે વિશાળ અભિયાન ચલાવ્યું હતું.
300થી વધુ જવાનો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું
મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલે જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ગીરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી, જેમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન કર્મચારીઓ સહિત કુલ 300થી વધુ જવાનો અને અધિકારીઓ જોડાયા હતા. જટાશંકર મંદિરના વિસ્તારથી શરૂ કરાયેલું આ સર્ચ ઓપરેશન વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી, ઓરિયો કૂવા વાળો વિસ્તાર અને જાંબુડા તળાવ જેવા અનેક દુર્ગમ વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું. ટીમોને સંકલન જાળવવા માટે વોકીટોકી, દૂરબીન અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી.
સ્યૂસાઇડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ, પાંચ શખ્સો સામે આરોપ
બાપુએ ગુમ થતા પહેલા લખેલી સ્યૂસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, તેઓ કેટલાક શિષ્યો અને અન્ય લોકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવતા માનસિક ત્રાસથી એટલા કંટાળી ગયા છે કે તેમને જીવન ટૂંકાવવા મજબૂર થવું પડ્યું છે. નોટમાં હિતેશ ઝડફિયા, કૃણાલ હરિયાણી અને પરમેશ્વર ભારતી (પૂર્વાશ્રમમાં પરેશ) નામના વ્યક્તિઓ દ્વારા થતા ત્રાસનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમદાવાદના નિલેશ ડોડીયા અને રોનક સોની પર પણ માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો.
માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ
સ્યૂસાઇડ નોટ મુજબ, હિતેશ અને કૃણાલ આશ્રમના વહીવટમાં હતા, જ્યારે સુરતના પરેશને બાપુએ દીક્ષા આપી પરમેશ્વર ભારતી નામ આપી શિષ્ય બનાવ્યો હતો. શરૂઆતમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું, પરંતુ પાછળથી આ ત્રણેય દ્વારા બાપુને અને ગુરુ હરિહરાનંદ બાપુને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો. બાપુએ લખ્યું હતું કે, આ ત્રાસના કારણે તેમને રાજકોટમાં માઇન્ડની હોસ્પિટલમાં પાંચ મહિના સુધી દવા લેવી પડી હતી. શાંતિ મેળવવા માટે તેઓ ઉદાલી અને ખડિયા જેવા અન્ય આશ્રમોમાં પણ રહ્યા, પરંતુ ત્રાસ ઓછો ન થતા તેઓ ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
બાપુ મળી આવતા ઉંડાણપૂર્વક તપાસ કરાશે
બાપુની સ્યૂસાઇડ નોટ મળ્યા બાદ ભવનાથ પોલીસે તાત્કાલિક ધોરણે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી હતી. નોટમાં ઉલ્લેખ કરાયેલા હિતેશ, કૃણાલ, પરમેશ્વર ભારતી સહિતના તમામ વ્યક્તિઓની હાલ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહાદેવ ભારતી બાપુના હેમખેમ મળી આવતા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે અને સત્ય બહાર લાવવાના પ્રયાસો થશે.
મહાદેવ ભારતી બાપુના 80 કલાક બાદ મળી આવવાથી તેમના ભાવિકો અને સેવાક ગણમાં હાશકારો થયો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર છે. આ ઘટનાએ આશ્રમ અને ધાર્મિક સંસ્થાનોમાં આંતરિક વિખવાદો અને તેનાથી સર્જાતી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો છે, જેને પગલે પોલીસ તપાસ હવે વધુ વેગ પકડશે અને ન્યાય અપાવવાની દિશામાં આગળ વધશે.
