જૂનાગઢના વિકાસને લાગશે નવી પાંખ, ઝાંઝરડા TP-5 આખરી મંજૂરી માટે મોકલાઈ; મનપાને નવા 143 પ્લોટ મળશે

જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી અને JUDA - જુડાના અધિકારીઓની અધ્યક્ષતામાં મળેવી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 11 Jul 2026 08:42 AM (IST)Updated: Sat, 11 Jul 2026 08:42 AM (IST)
junagadh-zanzarda-tp-scheme-5-final-approval-proposal-jmc-development-news

Junagadh News: જૂનાગઢ શહેરના વિકાસને ટૂંક સમયમાં નવો વેગ મળવા જઈ રહ્યો છે. ઝાંઝરડા વિસ્તારની ટીપી-5 આખરી મંજૂરી માટે દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. JUDA - જુડાના અધિકારીઓ અને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ TP સ્કીમને આખરી ઓપ આપી લીલી ઝંડી આપવામાં આવી હતી.

30 કિમીનું રોડ નેટવર્ક અને પાર્કિંગની સુવિધા

ઝાંઝરડા ટીપી સ્કીમ કુલ 30 લાખ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં સામાન્ય કપાતની જમીન 34.84 ટકા રહેશે. આ સ્કીમ અંતર્ગત આગામી સમયમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે કુલ 30 કિલોમીટર લાંબા રોડ નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી નાનો રોડ 6 મીટરનો અને સૌથી મોટો મુખ્ય માર્ગ 40 મીટર પહોળો બનાવવામાં આવશે. આ ઉપરાંત ભવિષ્યમાં વાહન પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ 8 પ્લોટ અનામત રાખવામાં આવ્યા છે.

રિયલ એસ્ટેટને વેગ, મનપાને મળશે 143 પ્લોટ 

આ ટીપી સ્કીમ અમલમાં આવતા જ જૂનાગઢમાં રિયલ એસ્ટેટ અને વ્યાપારી પ્રવૃત્તિઓને મોટો વેગ મળશે. સ્કીમમાં રહેણાંક હેતુ માટે 88 હજાર ચોરસ મીટર, હાઉસિંગ માટે એક લાખ ચોરસ મીટર અને કોમર્શિયલ બાંધકામ માટે 80 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી મૂકવામાં આવી છે. જાહેર સુવિધાઓ અને આંતરમાળખાકીય વિકાસ માટે કરોડો રૂપિયાની કિંમતની જમીન સંપાદિત થતા જૂનાગઢ મહાનગરપાલિકાને સૌથી મોટો ફાયદો થશે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સ્કીમ હેઠળ કુલ 143 પ્લોટ એટલે કે 5.50 લાખ ચોરસ મીટર જગ્યા પ્રાપ્ત થશે. આ વિશાળ જગ્યાનો ઉપયોગ શહેરના વિકાસ માટે કરવામાં આવશે. જેમાં બાગ-બગીચા, રમત-ગમતનું મેદાન, અર્બન ફોરેસ્ટ, સરકારી શાળા, આંગણવાડી, હોસ્પિટલ, ફાયર સ્ટેશન અને જાહેર પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે.

શાપુરમાં બનશે 4 કરોડના ખર્ચે નવી JUDA કચેરી

JUDA ના ડેપ્યુટી કલેકટર કે. વી. બાટીના જણાવ્યા અનુસાર, શાપુરમાં 4 કરોડના ખર્ચે JUDA ની કચેરી બનશે. ત્યાં જ 15 ખાલી પ્લોટમાં સરકાર દ્વારા 3.40 કરોડના ખર્ચે ફેન્સિંગ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત, અહીં આવેલીસનસિટી અને સદગુરુ સોસાયટીમાં 5 લાખના ખર્ચે નવી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવશે.