જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 1457.77 કરોડનું બજેટ મંજૂર, મહિલાઓ ખાસ જોગવાઈ કરવામાં આવી, જાણો શું નવું બનશે

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કમિશનર ડો. ઓમ પ્રકાશ દ્વારા વેરામાં 40.68 કરોડનો વધારો સૂચવાયો હતો.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 18 Mar 2025 09:39 AM (IST)Updated: Tue, 18 Mar 2025 09:39 AM (IST)
junagadh-municipal-corporations-budget-of-rs-1457-77-crore-for-the-year-2025-26-approved-special-provisions-have-been-made-for-women-know-what-will-be-new

Junagadh News: જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 1457.77 કરોડનું બજેટ સ્થાયી સમિતીએ મંજૂર કર્યું છે. હવે આ બજેટ જનરલ બોર્ડમાં આખરી મંજૂરી માટે જશે. મનપા ખાતે સ્ટેન્ડીંગ કમિટીને બેઠક મળી હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે તેમનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કમિશનર ડો. ઓમ પ્રકાશ દ્વારા વેરામાં 40.68 કરોડનો વધારો સૂચવાયો હતો.

સ્ટેન્ડીંગ કમિટીએ તેમાં સુધારો વધારો કરી 34.67 કરોડના વેરા વધારાને રદ કર્યો છે. સાથે શહેરમાં અનેક વિકાસના કામો કરવામાં આવશે. શહેરમાં ઇલેકટ્રીક સીટી બસમાં તહેવારો પર મહિલાઓને ફ્રી મુસાફરી કરી શકશે. મિલકતમાં પ્રથમ નામ મહિલાનું હોય તો ઘરવેરામાં સામાન્ય કરમાં 2 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ અપાશે. સોનરખ નદીના કાંઠે નવું સ્મશાન બનાવાશે, ખોરાક ભેળસેળ યુક્ત છે કે કેમ તેની ચકાસણી માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનશે, મધુરમ, દોલતપરા અને ગાંધીગ્રામમાં હોકર્સઝોન બનશે,જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરિક્ષા માટે ઈ- લાઈબ્રેરી બનશે. આમ, શહેરનો સર્વાંગી વિકાસ થાય તે માટેના અનેક વિકાસ કાર્યોનો સમાવેશ બજેટમાં કરાયો છે.

મહિલાઓ માટે આ ખાસ જોગવાઈ કરવામાં આવી

  • દીકરીનો જન્મ થાય તો દિકરી મારી લાડકવાયી પુસ્તિકા અને શુભેચ્છા પત્ર પાઠવાશે.
  • 3 સરકારી શાળાઓમાં સેનેટરી નેપકીનના પાયલોટ પ્રોજેક્ટ માટે 15 લાખની જોગવાઈ કરાઈ છે.
  • એનયુએલએમ શાખામાં નોંધાયેલી સ્વસહાય જૂથની બહેનોને તહેવારોમાં સ્ટોલ માટે ફ્રીમાં જગ્યા અપાશે.
  • સવારથી સાંજ સુધી નોકરી કરતી મહિલાઓ માટે બે સ્થળે ઘોડીયાઘર બનાવાશે.
  • સગર્ભા માતા, બાળકો અને કિશોરીઓને ફ્રીમાં ધનુરના બે ઇન્જેકશન, લેબોરેટરી તપાસ, લોહ તત્વ, કેલ્શિયમની દવા સ્ત્રી રોગ નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ મનાપાના અર્બન હેલ્થ સેન્ટરમાં અપાશે.
  • કુપોષિત સગર્ભાઓને પુરક પોષણની કિટ અપાશે.
  • મનપામાં નોંધાયેલ મહિલા સ્વસહાય જૂથોને 10,000નું રિવોલ્વીંગ ફંડ અપાશે.