Junagadh Bharti Ashram: જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી સુસાઇડ નોટ લખી ગુમ, પોલીસ તપાસ શરૂ

1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે, 2 નવેમ્બરના રોજ વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાની આસપાસ આશ્રમમાંથી અચાનક ગુમ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 02 Nov 2025 12:42 PM (IST)Updated: Sun 02 Nov 2025 12:42 PM (IST)
junagadh-bharati-ashrams-laghumahant-1008-mahamandleshwar-mahadev-bharati-missing-after-writing-suicide-note-630981
HIGHLIGHTS
  • મહાદેવભારતી બાપુએ ગુમ થતા પહેલા પાંચથી વધુ પાનાની સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે.
  • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ નોટમાં ત્રણ લોકોનાં નામ લખ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

Junagadh Bharti Ashram News: ભવનાથ ક્ષેત્રમાં આવેલા સુપ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે, 2 નવેમ્બરના રોજ વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાની આસપાસ આશ્રમમાંથી અચાનક ગુમ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મહાદેવભારતી બાપુએ ગુમ થતા પહેલા પાંચથી વધુ પાનાની સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે.

મહામંડલેશ્વર મહાદેવભારતીએ લખેલી સુસાઇડ નોટમાં અંગત મનદુઃખનો ઉલ્લેખ

આશ્રમ સંચાલકો દ્વારા તાત્કાલિક ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહાદેવભારતી બાપુ ગુમ થયાની જાણ કરવામાં આવી છે. ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઇ હુંબલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સુસાઇડ નોટમાં કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ બાપુએ જણાવ્યું છે. મહત્ત્વનું છે કે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ નોટમાં ત્રણ લોકોનાં નામ લખ્યા હોવાનું પણ બહાર આવ્યું છે, જોકે આ નામો હાલ તપાસનો વિષય હોવાથી પોલીસે તેની વિગતો જાહેર કરી નથી.

પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન શોધખોળ

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મહાદેવભારતી બાપુની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. આશ્રમ સંચાલકોની જાણ બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુમ થયેલા મહાદેવભારતી બાપુનો ઝડપથી પત્તો મેળવવા માટે પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.

સેવકોમાં ચિંતાનું મોજું, મહામંડલેશ્વર જૂનાગઢ પહોંચ્યા

મહાદેવભારતી બાપુ જેવા સન્માનિત સંતના આ પ્રકારે અચાનક ગુમ થવાથી ભારતી આશ્રમના સેવકો અને અનુયાયીઓમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ અન્ય એક વરિષ્ઠ સંત, મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુ પણ તાત્કાલિક જુનાગઢ આવી પહોંચ્યા હતા. સંત સમાજમાં પણ આ અસામાન્ય ઘટનાને લઈને ગહન દુઃખ અને ચિંતા પ્રવર્તી રહી છે. પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી રહી છે અને બાપુને સુરક્ષિત શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.