Gujarat Unseasonal Rain: ગુજરાતમાં લાંબા સમય પછી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જોકે, આ વર્ષે અલ નીનોની અસરને લીધે ગુજરાતમાં વરસાદનું જોર ઓછું રહ્યું હતું. પરંતુ દક્ષિણ ભારતમાં અર્નબ વાવાઝોડાને લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30થી 31 ઓક્ટોબર દરમયિાન સવારે 6 વાગ્યાથી 6 વાગ્યા સુધીના 24 કલાકના ગાળામાં 21 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગુજરાતના ખેડૂતોમાં હાલ ચિંતાના વાદળો જોવા મળ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના છેલ્લા 24 કલાકના સત્તાવાર અહેવાલ પ્રમાણે, રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 2.28 ઇંચ (58 મીમી) નોંધાયો છે. જ્યારે ભેંસાણ તાલુકામાં 0.98 ઇંચ, વંથલીમાં 0.39 ઇંચ, મેંદરડામાં 0.08 ઇંચ અને માણાવદરમાં 0.04 વરસાદ નોંધાયો.
ઉપરાંત અમરેલી જિલ્લામાં અમરેલીમાં 1.54 ઇંચ અને કુંકાવાવ વડિયા તાલુકામાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સિવાય બાબરામાં 0.24 ઇંચ અને બગસરામાં 0.08 ઇંચના વરસાદી ઝાપટા નોંધાયા હતા. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજકોટ અને ગીર સોમનાથમાં કમોસમી મહેર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ પ્રમાણે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતાં રાજકોટ જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેમાં જેતપુરમાં 1.22 ઇંચ વરસાદ પડતાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત ઉપલેટામાં 0.79 ઇંચ, ધોરાજી, 0.71 ઇંચ, ગોંડલમાં 0.59 ઈંચ અને જામકંડોરણંમાં 0.47 ઇંચ વરસાદી ઝાપટાં વરસ્યા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડામાં 0.55 ઇંચનું ઝાપટું નોંધાયું હતું.
ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ
અર્નબ વાવાઝોડાને લીધે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી. મહેસાણાના સતલાસણામાં 0.47 ઇંચ અને વિજાપુરમાં 0.35 ઇંચ. જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં 0.28 ઇંચ, વડાલી 0.20 ઇંચ અને પોશીનામાં 0.20 ઇંચ ઉપરાંત બનાસકાંઠાના હડાદ તાલુકામાં 0.08નું ઝાપટું વરસ્યું હતું. છેલ્લા 24 કલાકમાં વરસાદી ઝાપટું વરસતાં ખેડૂતોમાં પાકને લઈને ચિંતા જોવા મળી છે
