Gopal Italia News: ભેસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામમાં ગત મોડી સાંજે એક મોટી બબાલ સર્જાઈ છે, જ્યાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. આ સમગ્ર વિવાદ એક દિવાલને લઈને ઊભો થયો છે, જેને પગલે ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બંને પક્ષના વીડિયો વાયરલ થયા છે.
ગોપાલ ઇટાલિયાનો પક્ષ અને આરોપો:
ગોપાલ ઇટાલિયાએ હડમતિયા ગામે એક બહેનના ઘરની આગળ બનેલી બેલાની દિવાલ હટાવી હતી. ઇટાલિયાનો આરોપ છે કે "ભાજપના માણસોએ આ દિવાલ બનાવી છે" અને તેઓ "ગામડામાં ગરીબ માણસો હારે આટલી હદે અન્યાય કરી રહ્યા છે. ઇટાલિયાએ જણાવ્યું કે આ ગેટ આઠ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટમાં આઠ વર્ષથી કેસ ચાલી રહ્યો હોવા છતાં "નિર્ણય નો દીધો". તેમણે મામલતદાર સહિતના અધિકારીઓ પર ભાજપથી ડરવાનો આરોપ લગાવ્યો. ગોપાલ ઇટાલિયાએ પડકાર ફેંક્યો કે જો કોઈને તેઓ પાછા આવશે અને "એ દિવાલની જેસીબીનો એક ટલ્લો મારી દેશે". તેમણે વધુમાં કહ્યું કે "જે ભાજપવાળા મને ફાંસીએ ચડાવી દે હું જોવ છું કોણ મને કઈ ફાંસીએ ચડાવે છે". તેમણે ગામના લોકોને તે બહેનને ટેકો આપવા વિનંતી કરી હતી.
ભાજપનેતા, સરપંચ અને ગ્રામજનોનો શું કહ્યું:
ગોપાલ ઇટાલિયા દ્વારા દિવાલ હટાવવામાં આવ્યા બાદ, મોડી રાત્રે ગામના સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો દ્વારા ફરીથી બેલાની દિવાલ ખડકી દેવામાં આવી હતી. ભેસાણ તાલુકા ભાજપના ઉપ પ્રમુખે ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે "મોટો ગુંડો તો તું છે ભાઈ" અને ઇટાલિયા "ગામમાં અશાંતિ ફેલાવે છે".
ગામના સરપંચ અને આગેવાનોએ સ્પષ્ટતા કરી કે આ મામલો છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમણે મામલતદાર અને પ્રાંત અધિકારીના હુકમો રજૂ કર્યા, જે મુજબ સર્વે નંબર ૨૯૨ વાળાનો આ બાજુ કોઈ અધિકાર નથી અને તેમનો રસ્તો દક્ષિણ બાજુએ છે. તેઓએ આરોપ લગાવ્યો કે જે મહિલાની તરફેણમાં ઇટાલિયાએ કાર્યવાહી કરી, તે "ખોટી રીતે ગેરકાયદેસર" આ તરફ દરવાજો પાડવા માટે ખોટા આક્ષેપો કરી રહી છે, કારણ કે તેમની એન્ટ્રી આ તરફ છે જ નહીં. સરપંચે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ગામના મતોથી ચૂંટાયેલા છે અને તેમને કોઈ પક્ષ સાથે લેવાદેવા નથી, પરંતુ ઇટાલિયા વારંવાર "ભાજપ, ભાજપના ગુંડા" કહીને "ખોટે ખોટા બંધવાના ધંધા કરે છે". ભાજપના પ્રમુખે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી કે "હવે તારા તેવડો તો તારા બાપને લેતો આય આ બેલા એ પડ્યા છે હવે તું આયે". ગોપાલ ઇટાલિયાના વીડિયો બાદ ગામના લોકો એકઠા થયા છે અને તેમનું કહેવું છે કે ઇટાલિયા ગામમાં આવીને અશાંતિ ફેલાવી રહ્યા છે. આ વિવાદને લઈને વિસાવદરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
