ગીર-સોમનાથ
ફળોના રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાળા APMC ખાતે વિધિવત હરાજીની શરૂઆત થઈ છે. ગત વર્ષની તુલના એ ડબલ બોક્સ એટલે કે 7 હજાર બોક્સ કેસર કેરીના માર્કેટમાં આવ્યા હતા. હરાજીમાં પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં ગયું હતું. આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. જે બાદ ઓછામાં ઓછાં 400 રૂપિયાથી લઈ 1200 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી.
નાના અને મધ્યમ ફળના 500 થી 700 રૂપિયા બોક્સનો ભાવ રહેશે. પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડાને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે. જેને લઈ ઉત્પાદન ઘણુંજ ઘટ્યું છે. પરંતુ આ વખતે એક્સપોર્ટની પણ મોટા પ્રમાણમાં સંભાવના વર્તાય રહી છે અને અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.
સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરના ઉત્પાદન અસર ચોકકસ થઈ છે. આમ છતાં કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી માત્રામાં કેરીના બોક્સ લઈને આવ્યા હતા.
બીજી તરફ તાલાલા માર્કેટિંગ યાર્ડની હરાજી શરૂ થતાં ભાવને લઈ ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે કેસર કેરીના ભાવ પરવડે તેમ નથી. ખેડૂતોને 10 કિલો બોક્સના માત્ર 400 થી 600 આપવામાં આવે છે, જે ભાવ ખેડૂતોને પરવડતા નથી. જો કે ખેડૂતોની કેરી ઉપરથી પણ ભાવ નક્કી થતા હોય છે. ઘણા ખેડૂતને બોક્સના ભાવ ઊંચા પણ મળ્યા છે.