લોકલ ડેસ્કઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાગાયત વિભાગ દ્વારા પહેલીવાર કેસર કેરીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. જેનાં અનુસંધાને કેરીની રાણી કેસર શીર્ષક ઉપર આયોજિત કાર્યશાળામાં ગીરની કેસર કેરીનો સ્વાદ-સોડમ દુનિયાના ખૂણે-ખૂણે સુધી પ્રસરે તે દિશામાં પ્રયાસો હાથ ધરવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સક્કરબાગ ખાતેના ફ્ળ સંશોધન કેન્દ્રમાં આયોજિત આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ તરીકે તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું કે, વાતાવારમાં થતાં બદલાવની અસર વચ્ચે પણ કેસર કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સાથોસાથ નવું વાવેતર પણ થઈ રહ્યું છે. રામપરા-બામણાસા સહિતના વિસ્તારમાં આંબામાં વહેલું ફ્લાવરિંગ થાય છે. તે પણ એક સંશોધનનો વિષય છે અને તે દિશામાં સંશોધન હાથ ધરવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ વી.પી. ચોવટીયાએ દર વર્ષે કેસર કેરીના જન્મ દિવસ ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપ સચિવ ચેતન દવે અને સંશોધન નિયામક એચ.એમ. ગાજીપરાએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ વાગડીયાએ જણાવ્યું કે. કેસર કેરીના ઉત્પાદનમાં 50 ટકા આધાર હવામાન ઉપર હોય છે અને અન્ય 50 ટકા આંબા-પાકની માવજત ઉપર હોય છે. જે ખેડૂતોના હાથ હોય છે.
આ સાથે તેમણે દેશી ખાતરનો ઉપયોગ કરવા અને જંતુનાશક દવાઓનો ખૂબ નિયંત્રિત ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. અન્ય પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ ભાટુએ સ્વાનુભવનાં આધારે ઘનિષ્ઠ પદ્ધતિથી આંબાના વાવેતરથી કઈ રીતે ખેડૂતો સારી આવક મેળવી શકે છે તે દિશામાં માર્ગદર્શન આપ્યું હતું.