Junagadh Turtle Deaths: જૂનાગઢ જિલ્લામાં વન્યપ્રાણી પ્રેમીઓને હચમચાવી દેનારી એક કરુણ ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી એક સાથે 51 કાચબા મૃત અવસ્થામાં મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. હાલ તમામ 51 કાચબાઓના મૃતદેહોને અમરાપુર એનિમલ સેન્ટર ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. 51 કાચબાઓના શંકાસ્પદ મોત થતાં સ્થાનિકો અને વન્ય જીવ પ્રેમીઓમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
51 કાચબાઓના મોત થયા
મળતી માહિતી મુજબ, માણાવદરમાં એન.જી. મિલ નજીકના વિસ્તારમાં 51 કાચબાઓના શંકાસ્પદ મોત થયા છે. જેની સ્થાનિક યુવાનોને જાણ થતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. તેમના પેટમાંથી ઝેરી કેમિકલ અને ઘઉંના દાણા મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા પ્રાથમિક આશંકા એવી વ્યક્ત કરવામાં આવી છે કે, ઝેરી દવાને લીધે કાચબાઓના મોત થયા હોઈ શકે. જ્યારે બીજી બાજૂ કાચબાઓની તસ્કરીના હેતુથી એકઠા કરવામાં આવ્યા હોઈ શકે. હાલ આ અંગે વન વિભાગે કોઈ પુષ્ટિ કરી નથી.
મૃત કાચબાઓને પીએમ માટે ખસેડ્યા
વન વિભાગની માહિતી પ્રમાણે, હાલ તમામ કાચબાઓના મૃતદેહોને અમરાપુર એનિમલ સેન્ટર ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ ઘટનાની ગંભીરતાને ધ્યાને વન વિભાગ બે કિમી સુધીના વિસ્તારમાં તપાસ કામગીરી હાથ ધરશે. તેવું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત કાચબાઓના મોતને લઈને ચોક્કસ કારણ જાણવા અને આ ઘટના પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
