લોકલ ડેસ્કઃ ગઈકાલથી અચાનક ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લીધે કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો હતો. ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનની સ્પીડ 60થી 70 કી.મી. હોવાથી હવામાન વિભાગ દ્વારા બંન્ને જિલ્લાના માછીમારોને સલામત સ્થળે રહેવા માટેની અને દરિયો નહીં ખેડવા માટેની ખાસ સુચનાઓ આપવામાં આવી છે.
જોકે હાલ દરીયા કિનારે કોઈ પણ પ્રકારના ભયસુચક સિગ્નલ લગાવાયા નથી. પરંતુ બન્ને જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપીને તેઓને ટોકન ઇસ્યુ કરાયા નથી. તમામ બોટને જે તે વિસ્તારના દરિયા કાંઠે સુરક્ષિત રખાવી દેવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં પવનની સ્પીડ પ્રતિ કલાકના 55થી 60 જેટલી થઈ જતાં ચોમેર ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહનચાલકો હેરાન થયા હતા. મહત્ત્વનું છે કે, તોફાની પવનના કારણે ગરમીમાં થોડી રાહત જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગરમીનો પારો ઉપર જઈને 40 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. તેમાં આજે વધુ 2 ડિગ્રીની રાહત જોવા મળી છે અને ગરમી નો પારો નીચે સરકીને 37.1 ડિગ્રી આસપાસ રહ્યો છે. જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યા સુધી લઘુતમ તાપમાન 29.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 55થી 60 કિ.મી.ની ઝડપે રહી હતી.