Jamnagar News: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર પર હુમલો થયો હતો, જે સંદર્ભે એક સફાઈ કર્મચારી દંપતી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ એક સફાઈ કર્મચારીએ પણ SSI સામે વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરના નીલકંઠનગર વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ સોલંકી જામનગર મહાનગર પાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ મહાવીરનગર વિસ્તારમાં ફરજ પર હતા. એ સમયે રવિ ચુડાસમા અને તેમના પત્ની વીણાબેન સફાઇ કામ કરવાના બદલે કાર ચલાવી રહ્યાં હતા અને તેમને જે વિસ્તાર સોંપવામાં આવ્યો હતો. તેના બદલે બીજા વિસ્તારમાં જોવા મળ્યા હતા.
આ સફાઈ કામદાર દંપતીને અલગ વિસ્તારમાં જોતા સેનેટરી સબ ઇન્સ્પેક્ટરે તેમને અટકાવ્યા હતા અને તમે અહીં શું કરો છો, તમારી અહીં કોઇ ફરજ નથી તેમ કહ્યું હતું. જેથી દંપતીએ અમે સારવાર માટે હોસ્પિટલ આવ્યા હોવાનું કહ્યું હતું. સેનેટરી સબ ઇન્સ્પેક્ટરે દંપતીને હોસ્પિટલમાં જતા અટકાવતા આ દંપતીએ એસએસઆઈ પર હુમલો કર્યો હતો. જેથી એએસઆઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગેની એસએસઆઈએ ફરિયાદ નોંધાવી હતી. સામે પક્ષે સફાઇ કામદારે પણ તેની સાથે માર મારવામાં આવ્યો હોવાની એસએસઆઈ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
