Jamnagar Illegal Liquor Case: જામનગરમાં વિદેશી દારૂના ગેરકાયદેસર સંગ્રહ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર-રાજકોટ હાઇવે પર માનસી હોટલની પાછળ આવેલા એક ગોડાઉન પર પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની નાની-મોટી કુલ 19,522 બોટલો જપ્ત કરી છે. આ દારૂના જથ્થાની કિંમત રૂ. 40,68,517 હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપ કોર્પોરેટરના પુત્રનું નામ આવ્યું
આ સમગ્ર પ્રકરણમાં વોર્ડ નંબર 10નાં ભાજપનાં મહિલા કોર્પોરેટર મંજૂબેન બંભાણિયાના પુત્ર હિતેશ બંભાણિયાનું નામ સામે આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જોકે, આ કેસમાં હિતેશ બંભાણિયા સહિત કુલ નવ આરોપીઓની ધરપકડ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે. પંચકોશી એ ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર માનસી હોટલની પાછળ આવેલા ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે 40 લાખનો દારુ ઝડપ્યો
તપાસ દરમિયાન ગોડાઉનમાંથી વિદેશી દારૂની નાની અને મોટી મળીને કુલ 19,522 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો આ જથ્થો કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂના જથ્થાની કિંમત રૂ. 40,68,517 આંકવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ વાહનો અને મોબાઇલ ફોન સહિત રૂ. 13,10,000ની કિંમતનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
કોર્પોરેટરના પુત્ર સહિત 9ની શોધખોળ
પોલીસે આ કેસમાં ધર્મેશભાઈ નાવલભાઈ યાજ્ઞિકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. જ્યારે ભાજપનાં મહિલા કોર્પોરેટર મંજૂબેન બંભાણિયાના પુત્ર હિતેશ બંભાણિયા સહિત અન્ય નવ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ અને તપાસ તેજ કરવામાં આવી છે. તેમજ પોલીસે જપ્ત કરેલા કુલ મુદ્દામાલની કિંમત રુ.53,78,517 થાય છે.
