Indian Pakistan War Update: ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે એર સ્ટ્રાઈક કરીને 100થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ પછી પાકિસ્તાન ભારતના અલગ-અલગ શહેરમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરી રહ્યું છે. જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ સુદર્શન 400 હવામાં જ ઈન્ટરસેપ્ટ કરીને નાકામ બનાવી રહ્યું છે. ત્યારે મોટાભાગના રાજ્યના શહેર સહિત જામનગરમાં પણ એલર્ટ છે અને તંત્ર યુદ્ધ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે. સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે.
