Jamnagar News: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીની જન્મજયંતિ અને આગામી 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણીને લઈને જામનગરમાં ઉત્સાહનો માહોલ છે. જામનગરના રિલાયન્સ પરિસરમાં નિર્મિત 'વનતારા' પ્રોજેક્ટ હવે વિશ્વભરની હસ્તીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રવિવારે સવારે સ્વ. ધીરૂભાઈ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ સીધા રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થયા હતા.
બોલિવૂડ સિતારાઓનું આગમન
જામનગરના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક સ્વ.ધીરૂભાઈ અંબાણીની જન્મજયંતિ અને નવા વર્ષની ઉજણવીના ઉપલક્ષમાં અતિથિઓનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થઈ રહ્યું છે. જેમાં શનિવારે ઈન્ટરનેટ સ્ટાર ઓરી, વીર પહારીયા, મિઝાન જાફરી, ખુશી કપુર તેમજ રવિવારના અનિલ અંબાન્ની, ખુશી પુર સહિતના સ્ટારનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું અને તેઓ રિલાયન્સમાં જવા માટે નિકળી ગયા હતાં. જે બાદ રવિવારે સવારથી અતિથિઓનું આગમન થઈ રહ્યું હતું. જેમાં બોલીવુડ સ્ટાર શિલ્પા શેટી ભોજપુરી ફિલ્મી સ્ટાર મનોજ તિવારી પરિવાર સાથે જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું અને તેઓ કારમાં રિલાયન્સ જવા માટે નિકળી ગયા હતા. જ્યારે ફિલ્મી ક્લાકારોની ઝલક નિહાળવા માટે ચાહકો ક્લાકો સુધી રાહ જોઈ રહ્યા હતા.
વૈશ્વિક હસ્તીઓની મુલાકાત
વનતારાની ખ્યાતિ હવે સાત સમંદર પાર પહોંચી છે. તાજેતરમાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પે વનતારાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, પ્રખ્યાત ફૂટબોલ પ્લેયર જેસ્સીએ પણ ગત સપ્તાહે અહીંના વન્યજીવોની મુલાકાત લીધી હતી. પીએમ નરેન્દ્ર મોદી સહિતના અનેક રાજકીય નેતાઓ પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે.
વનતારા: વન્યજીવોનું સ્વર્ગ અને હાઈટેક સુવિધાઓ
રિલાયન્સ વનતારા પ્રોજેક્ટ 2000થી વધુ પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. અહીંની વિશેષતાઓ નીચે મુજબ છે:
- વિવિધતા: અહીં 43થી વધુ પ્રજાતિના પ્રાણીઓ છે, જેમાં 200 હાથી અને 300થી વધુ દીપડા, વાઘ, સિંહ અને જગુઆરનો સમાવેશ થાય છે.
- સરીસૃપો: મગર અને સાપ સહિત 1200થી વધુ સરીસૃપો અહીં સુરક્ષિત છે.
- હાઈટેક હોસ્પિટલ: પ્રાણીઓ માટે 25 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે, જેમાં એક્સ-રે, લેઝર મશીન અને હાઈડ્રોલિક સર્જિકલ ટેબલ જેવી સુવિધાઓ છે.
- નિષ્ણાંત સ્ટાફ: 2100 લોકોનો સ્ટાફ આ વન્યજીવોની રાત-દિવસ દેખરેખ રાખે છે.
આગામી 31મી ડિસેમ્બરની રાત્રે રિલાયન્સમાં ભવ્ય આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નવા વર્ષને આવકારવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
