Godhra: પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખની ચેમ્બરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ગોધરા નગરપાલિકામનાં સમાવિષ્ટ વોર્ડ 4માં આવેલી મોદીની વાડી અને કાછિયાવાડ વિસ્તારમાં મહિલાઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહી છે. પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસીને મહિલાઓ ગરબે ઘૂમી હતી અને પાલિકા પ્રમુખની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી પાણી આપોના નારા લગાવ્યા હતા.
ગોધરા શહેરના મોદીની વાડી અને કાછીયાવાડ વિસ્તારની મહિલાઓએ પાલિકા દ્વારા ઘરવપરાશ તેમજ પીવા માટે પાણી નહિ આપવામાં આવતા રણચંડી બનેલી મહિલાઓ પાલિકા કચેરી પહોંચી હતી અને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ગરબે ઘૂમી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી આપો…પાણી આપોના નારા લગાવ્યા હતા. મહિલાઓએ સ્થાનિક વોર્ડના કોર્પોરેટરોને પણ આડે હાથ લીધા હતા.
ગોધરા નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલા 18થી વધુ કૂવામાંથી સ્થાનિક રહીશોને પાણી પહોંચાડવામાં આવતું હતું, પરંતુ પાલિકાની આર્થિક પરિસ્થિતિ સારી નહી હોવાના કારણે 18 કૂવાઓનું મસમોટા લાઇટ બિલ આવતાં અને પાણીનો વધારે વ્યય થઇ રહ્યો હોવાને લઇને કૂવાઓમાંથી પાણી નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકાએ કૂવાનું પાણી બંધ કરાવી દેતા ગોધરામાં પાણી ન મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા નળ મારફતે આપવામાં આવતુ પાણી ધીમું અને ઓછા ફોર્સથી આવતું હતું. જેનાથી ત્રાસી સ્થાનિક વિસ્તારનાં રહીશો પાણીની માત્રાને પૂરી કરવા માટે કૂવામાંથી પાણી ખેંચી તે માત્રા પૂરી કરતા હતા. હવે પાલિકા દ્વારા કૂવામાંથી પણ પાણી આપવાનું બંધ કરાતા સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે. આ બધી સમસ્યાઓથી કંટાળી મહિલાઓ દ્વારાપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જ ગરબે ઘૂમી સંજય સોની હાય હાયનાં નારા લગાવ્યા હતા.