Junagadh Mayor News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની નગરપાલિકાઓમાં કેસરિયો લહેરાયો છે. જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ ભાજપ ફરી સત્તા પર આવ્યું છે. ત્યારે આજે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળી છે. જેમાં નગરપાલિકાઓના પ્રમુખ અને જૂનાગઢ મહાનગર પાલિકાના મેયર સહિતના પદોના નામો નક્કી કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે જૂનાગઢ મહાનગર પાલિકાના મેયરના નામની પસંદગી કરવા માટે બેઠક શરૂ થઇ ગઇ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક મળી છે. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે.
જૂનાગઢ મનપાના મેયર પદ માટે આ નામો ચર્ચામાં
જૂનાગઢના રાજકીય વર્તૂળોમાં ભાજપના ચૂંટાયેલા 48 કોર્પોરેટરમાંથી 6 જેટલા નામોની ચર્ચા ચાલી રહી છે. જેમને મેયર પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. જેમાં વોર્ડ-10ના મનન ધીરજલાલ અભાણી, પલ્લવી શ્રેયસભાઈ ઠાકર, વોર્ડ-11ના શૈલેષ દવે, વોર્ડ-14ના બાલુભાઈ રાડા, વોર્ડ-4ના ધર્મેશ પોશિયા, ઉપરાંત હિરેન ભાલાણીનું નામ ચર્ચા છે. મનન અભાણી નિર્વિવાદિત ચહેરો છે. યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જૂનાગઢ ભાજપના મહામંત્રી હતા. આ ઉપરાંત શૈલેષ દવે આરએસએસના કાર્યકર્તા છે. નિર્વિવાદિત અને સંઘમાં સારુ વર્ચસ્વ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.
