Who is Gandhinagar Mayor Rupsinh Thakor? ગાંધીનગર મહાનગરપાલિકા (GMC Election 2026) ના નવા મેયર તરીકે ભારતીય જનતા પાર્ટી (BJP) ના યુવા નેતા રૂપસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી છે. તેઓ માત્ર 29 વર્ષની નાની વયે ગાંધીનગરના મેયર બન્યા છે. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા બાદ પક્ષ દ્વારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારો
ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરનું પદ ઓબીસી (OBC) કેટેગરી માટે અનામત હોવાથી તેમજ સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા રૂપસિંહ ઠાકોરને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન સુરેશભાઈ મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે મેયર રૂપસિંહ ઠાકોર?
રૂપસિંહ ઠાકોર ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રથમ વખત ચૂંટાયેલા કોર્પોરેટર છે. આશરે 29 વર્ષની વયે તેઓ ગાંધીનગરના મેયર પદે આરૂઢ થયા છે. આ સાથે જ ગાંધીનગર મનપાના ઈતિહાસમાં સૌથી યુવા મેયર તરીકે રૂપસિંહનું નામ નોંધાઈ ગયું છે.
રૂપસિંગ ઠાકોરના પરિવારમાં તેમના પત્ની સોનલબેન તથા બે બાળકો રિયાંશી અને વિશ્વમસિંહ છે. રૂપસિંગ ઠાકોરે ગાંધીનગર સ્થિત જયપ્રકાશ વિદ્યાલયમાંથી ધોરણ 10 પાસ (10th Pass) સુધીનો અભ્યાસ કરેલો છે.
રૂપસિંહ ઠાકોર ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 થી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. આ સાથે તેઓ વોર્ડ નંબર 4 ના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. OBC કેટેગરીનું સામાજિક પ્રતિનિધિત્વ અને સ્થાનિક રાજકીય સમીકરણોને આધીન પક્ષ દ્વારા તેમને આ જવાબદારી સોંપાઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત રૂપસિંગ ઠાકોરે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમના સામે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારનો ફોજદારી ગુનો નોંધાયેલ નથી, તેમજ કોઈ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યા નથી. ઉપરાંત, કોઈ કોર્ટ દ્વારા તેમની સામે કોઈ ગુનાના આરોપો ઘડવામાં આવ્યા નથી કે દોષમુક્ત કરવામાં આવ્યા નથી. તેમનો ગુનાહિત રેકોર્ડ સંપૂર્ણપણે સ્વચ્છ છે.
ડેપ્યુટી મેયર અંજનાબેન મહેતા
ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. સ્થાનિક સંગઠન અને મહિલા પ્રતિનિધિત્વના ભાગરૂપે પક્ષ દ્વારા તેમની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેઓ મહાનગરપાલિકાના વહીવટી તેમજ શહેરના વિકાસ કાર્યોમાં ડેપ્યુટી મેયર તરીકે સક્રિય જવાબદારી સંભાળી રહ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેન્દ્ર પટેલ
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી બીજી વખત ચૂંટણી લડ્યા છે. મહેન્દ્ર પટેલ હાલમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે.
