ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા એલટીસી સહિતના ભથ્થાને લઇને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. મહામંડળની રજૂઆત છે કે, કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના અધિકારી અને કર્મચારીઓને પગારપંચ તેમજ અન્ય લાભો લાગુ કરવામાં આવે. અગાઉ રાજ્ય સરકારે લાભો આપવા માટે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગાર પંચ મુજબના તમામ નિયત કરેલા લાભો જેવા કે, એલટીસી, મુસાફરી-દૈનિક ભથ્થુ, ચાર્જ એલાઉન્સ, વતન પ્રવાસ ભથ્થુ, બદલી વળતર ભથ્થુ વગેરે 1-1-2016 ની અસરથી આપવાની માંગ કરવામાં આવી છે.
કર્મચારીઓની રજૂઆત છે કે, ગુજરાતમાં કર્મચારીઓને હજૂ પણ છઠ્ઠા પગાર પંચ મુજબ આ તમામ લાભો ચૂકવવામાં આવે છે. અગાઉ ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા લાભો બાબતે આદોલન કરવામાં આવ્યુ હતુ. આદોલન દરમિયાન સરકાર સાથે થયેલા સમાધાનમાં સાતમા પગાર પંચના તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવા માટે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત એચઆરએના નિયત કરેલા લાભો પણ કેન્દ્રમાં નક્કી કરેલા ધારાધોરણ મુજબ ન આપતાં ફક્ત એક નિયત દર નક્કી કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના ધારા ધોરણ મુજબ જેમ જેમ મોધવારી 25 ટકા વધે તેમ તેમ આ નિયત દરમાં 3-2-1 ના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. જ્યારે પરિવહન ભથ્થા પર કેન્દ્રમાં મોધવારી બથ્થુ ચૂકવવામાં આવે છે. આ ભથ્થુ ગુજરાત રાજ્યના કર્મચારીઓને ચુકવવામાં આવતુ નથી. હિસાબી કેડરના કર્મચારીઓને એક જ સમયે બે જુદા જુદા પગારપંચ મુજબ ચૂકવણા કરવાથી ઓડિટમાં સમસ્ચા ઉભી થઇ રહી છે. જેથી તમામ લાભો સાતમા પગારપંચ મુજબ ચુકવવા માટે કર્મચારીઓએ સરકારને રજૂઆત કરી છે.