ગાંધીનગર.
ગાંધીનગરના રાયસણમાં GUDAના મકાનમાં હીટરના કારણે શોર્ટ સર્કિટ થતાં સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાયસણની પંડિત દિનદયાળ વસાહતના બ્લોક B-003માં સંગીતા જાદવ નામની મહિલા પતિ અને પુત્ર સાથે રહે છે અને રસોઈ બનાવવાનું કામ કરવા ઉપરાંત ડ્રેસ મટીરિયલનો વેપાર કરે છે. આજે સવારે સંગીતાબેન રસોઈ બનાવવા માટે ગયા હતા,જ્યારે તેમના પતિ પણ કામ અર્થે અમદાવાદ જવા નીકળ્યા હતા. આ દરમિયાન ઘરમાં એકલા રહેલા તેમના પુત્ર પ્રિન્સે ન્હાવા માટે હીટરથી ગરમ પાણી કરીને બાથરૂમમાં ન્હાવા માટે ગયો હતો.
આ દરમિયાન અચાનક ઘરમાં રહેલા સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. આ આગે ડ્રેસ મટીરિયલ તેમજ ઘર વખરીને પણ બાનમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પ્રિન્સને ઘરમાંથી બહાર કાઢીને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં વૉટર હીટરના કારણે શોર્ટ સર્કિટ થતાં સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરમાં આગ લાગી હોવાનું અનુમાન છે.