કૃત્રિમ સૂર્ય બનાવવાની દિશામાં ગાંધીનગર IPRના વિજ્ઞાનીઓની સિદ્ધિ, નવું શક્તિશાળી જાયરોટ્રોન સફળતાપૂર્વક સ્થાપિત

આ સફળ સંશોધનને અખૂટ અને સ્વચ્છ ઉર્જા તરફ ભારતનું મહત્વનું કદમ માનવામાં આવી રહ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 15 Sep 2026 09:33 AM (IST)Updated: Tue, 15 Sep 2026 09:33 AM (IST)
ipr-gandhinagar-artificial-sun-project-sst1-tokamak-gyrotron-fusion-reactor-installed
Artificial Sun Project

IPR Gandhinagar Artificial Sun Project: ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ (IPR) ના વિજ્ઞાનીઓએ દેશના 'કૃત્રિમ સૂર્ય' (Artificial Sun) પ્રોજેક્ટ માટે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સંશોધકો દ્વારા ઊર્જા સંશોધન માટે બનાવવામાં આવેલા ફ્યુઝન રિએક્ટર (SST-1 ટોકામક) પર 82.6 ગીગાહર્ટઝ ફ્રિક્વન્સી અને 400 કિલોવોટ ક્ષમતા ધરાવતું નવું અને શક્તિશાળી 'જાયરોટ્રોન' (ઊર્જા નિયંત્રણ કરતું ઉપકરણ) લગાવવામાં આવ્યું છે.

સૂર્યના કેન્દ્ર કરતાં 20 ગણી વધુ ગરમી હશે

આ અગાઉ કરાયેલા પ્રયોગો દરમિયાન વિજ્ઞાનીઓએ પ્લાઝમાનું તાપમાન 20 કરોડ ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ પહોંચાડવામાં સફળતા મેળવી હતી, જે સૂર્યના કેન્દ્ર કરતાં પણ 20 ગણું વધારે ગરમ છે. જોકે, રિસર્ચમાં પ્લાઝમાનું તાપમાન અત્યંત ઊંચું પહોંચાડવાની સાથે તેને નિયંત્રિત સ્થિતિમાં જાળવવું જરૂરી હોય છે.

આ રિએક્ટર પર નવું જાયરોટ્રોન સ્થાપિત થવાથી અતિશય ગરમ પ્લાઝમાને વધુ સમય સુધી સ્થિર અને નિયંત્રિત રાખવામાં મદદ મળશે. આ સફળ ટ્રાયલથી ભવિષ્યમાં અસીમિત, સ્વચ્છ અને ટકાઉ ઊર્જા મેળવવાના ભારતના સ્વપ્ન તરફ વધુ એક મજબૂત ડગ માંડવામાં આવ્યું છે.

શું છે જાયરોટ્રોન અને કેવી રીતે કામ કરે છે?

જાયરોટ્રોન એ ઊંચી ફ્રિક્વન્સીની માઈક્રોવેવ ઊર્જા ઉત્પન્ન કરતું આધુનિક ઉપકરણ છે. આ માઈક્રોવેવ ઊર્જાને રિએક્ટરની અંદર રહેલા પ્લાઝમામાં ઈન્જેક્ટ કરવામાં આવે છે, જેનાથી પ્લાઝમા કણોમાં ઊર્જા ઉમેરાતા તાપમાન વધે છે અને તેને ગરમ કરવાનું કામ થાય છે. પૃથ્વી પર સૂર્ય જેવું ગુરુત્વાકર્ષણ બળ ન હોવાથી, અતિશય ગરમ પ્લાઝમા રિએક્ટરની દીવાલોને સ્પર્શે નહીં તે માટે તેને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર વડે રિએક્ટરની મધ્યમાં જાળવી રાખવામાં આવે છે. આ અગાઉ 42 ગીગાહર્ટ્ઝનું જાયરોટ્રોન ઉપયોગમાં લેવાતું હતું, જેના સ્થાને હવે 82.6 ગીગાહર્ટઝ અને 400 કિલોવોટ ક્ષમતા ધરાવતું નવું ઉપકરણ લગાવાયું છે.

વિજ્ઞાન ક્ષેત્રે માઈલસ્ટોન, મળશે સ્વચ્છ ઉર્જા

ઉલ્લેખનીય છે કે, SST-1 રિએક્ટર હાલમાં વીજળી ઉત્પન્ન કરતો પાવર પ્લાન્ટ નથી પરંતુ એક સંશોધન રિએક્ટર છે. ફ્યુઝન પ્રક્રિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં લાંબા સમય સુધી રહેતો રેડિયોએક્ટિવ કચરો ખૂબ જ ઓછો પેદા થાય છે અને ગંભીર ખતરા વિના એનર્જી પેદા કરી શકાય છે. ભારતે 20 કરોડ ડિગ્રીથી વધુ તાપમાન મેળવવાની ક્ષમતા સાબિત કરી છે અને હવે પછીનું મુખ્ય લક્ષ્ય પ્લાઝમાને લાંબા સમય સુધી સ્થિર અને નિયંત્રિત રાખવાનું છે, જે ભવિષ્યમાં વ્યાવસાયિક સ્તરે મોટા ફ્યુઝન પાવર પ્લાન્ટ બનાવવા માટે મદદરૂપ થશે.