GIFT City, Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘AI ફોર ઓલ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે વધુ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે પી.પી.પી. (PPP) મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (IAIRO) ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે જ ગુજરાત દેશમાં આ પ્રકારની સંસ્થા સ્થાપનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે.
ત્રિપક્ષીય ભાગીદારી અને બજેટ
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રાજ્ય સરકાર, ભારત સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) ની ત્રિપક્ષીય ભાગીદારીથી આકાર લેશે.
આ પણ વાંચો
- બજેટ: પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે રૂ. 300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
- યોગદાન: રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદારો ત્રણેયનું 33.33 ટકા સમાન યોગદાન રહેશે.
- ખાનગી ભાગીદાર: આ પ્રોજેક્ટમાં એન્કર પ્રાઇવેટ પાર્ટનર તરીકે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) જોડાયું છે, જેમાં સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા અને સિપ્લા જેવી 23 અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.
ગિફ્ટ સિટીમાં 1 જાન્યુઆરીથી કાર્યરત થશે
ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) ખાતે આગામી 1 જાન્યુઆરી 2026થી આ સંસ્થા સ્પેશિયલ પર્પઝ વિહિકલ (SPV) તરીકે કાર્યરત થશે. કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે આ એક ‘નોન-પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે સ્થાપવામાં આવશે. આ સંસ્થા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) માટે મલ્ટી-ડિસિપ્લિનરી હબ તરીકે ઓળખાશે.
મુખ્ય પ્રવૃત્તિઓ અને ઉદ્દેશ્યો
IAIRO નું મુખ્ય ધ્યાન AI આધારિત પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ વિકસાવવા પર રહેશે. તેનાથી આરોગ્ય, શિક્ષણ અને કૃષિ જેવા પાયાના ક્ષેત્રોમાં પરિવર્તનકારી સુધારાઓ આવશે. સંસ્થાની મુખ્ય જવાબદારીઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:
- 1) ઇનોવેશન: અદ્યતન AI રિસર્ચ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) નું સર્જન કરવું.
- 2). સહયોગ: શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને સરકાર વચ્ચે કડી તરીકે કાર્ય કરવું.
- 3) ઇન્ફ્રાસ્ટ્રક્ચર: હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 'IndiaAI ક્લાઉડ' જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મનું સંકલન કરવું.
- 4). કેપેસિટી બિલ્ડીંગ: AI ક્ષેત્રમાં ભવિષ્યનું કુશળ માનવ સંસાધન તૈયાર કરવું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી ગુજરાત ઉભરતી ટેકનોલોજી માટે વૈશ્વિક હબ બનશે અને ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વિશ્વના નકશા પર અગ્રેસર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
