Gujarat Tenancy Law Reform: ગુજરાતમાં જમીનના બોગસ દાવેદારો અને ગણોતિયા ઊભા કરી જમીન માલિકો પાસેથી પૈસા પડાવવાના ખેલ પર હવે કાયમી બ્રેક વાગી ગઈ છે. મહેસૂલ વિભાગ દ્વારા ગણોત ધારા હેઠળ થતી ગેરરીતિઓ અટકાવા માટે મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે.
શું હતો ગણોત ધારાનો વિવાદ?
વર્ષ 2009થી ગણોતધારાની કલમ 32 (ઓ) રદ થઈ ચૂકી હોવા છતાં, કેટલાક મામલતદારો કલમ 70 (બી) હેઠળ કેસો ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જૂના સરકારી રેકોર્ડ (7/12)માં નામ ન હોય તો પણ દાયકાઓ પછી માત્ર આસપાસના લોકોના સોગંદનામા કે પંચનામાના આધારે નવો ગણોતિયો ઊભો કરી જમીન પર કાનૂની હક દાવો કરવામાં આવતો હતો.
કઈ ગેરરીતિઓ પર રોક લાગશે?
સરકારના મહત્વપૂર્ણ આદેશથી 7/12ના રેકોર્ડમાં નામ ન હોવા છતાં ખોટા પંચનામાના આધારે ઊભા કરાતા ગણોતિયા અટકશે, જ્યારે મૂળ માલિક જમીન વેચવા કે બિન-ખેતી (N.A.) કરાવવા જાય, ત્યારે ત્રીજી વ્યક્તિ દાવો ઊભો કરી બિલ્ડર કે માલિક પાસે પૈસા પડાવતી હતી અને 1957 કે ત્યારબાદ મૂળ ગણોતિયાએ હક જતો કર્યો હોય, છતાં દાયકાઓ પછી તેના વારસદારો આવીને નવા કાનૂની દાવા ઊભા કરતા હતા.
નવા નિયમોથી જમીન માલિકોને શું ફાયદો થશે?
મહેસૂલ વિભાગના આ સુધારાથી જમીન ધારકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને મોટો લાભ થશે:
- નવા કેસ પર કાયમી બ્રેક: હવે મામલતદાર કચેરીમાં કલમ 70 (બી) હેઠળ નવો કોઈ કેસ નોંધવામાં આવશે નહીં.
- જૂના કેસોનો ઝડપી ઉકેલ: 2009 પહેલાના પડતર કેસોનો ઝડપી નિકાલ કરી કલેક્ટરનું સર્ટિફિકેટ મેળવી જમીન સુધારણા કમિશનર કચેરીમાં જમા કરાવવાનું ફરજિયાત બનાવાયું છે.
- ઓનલાઈન પારદર્શિતા: iRCMS પોર્ટલ પર જૂના કેસો અપલોડ થવાથી પાછલી તારીખે બનાવટી કાગળો ઊભા કરવાનું સંપૂર્ણ બંધ થઈ જશે.
