Gujarat Education: ગુજરાત રાજ્યના બાળકો ગોખણિયા શિક્ષણને તિલાંજલિ આપી પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી શિક્ષણ મેળવે તે માટે ગુજરાત સરકાર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના સહયોગથી હવે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે 'જાદુઈ પીટારા' વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-2020) અને 'નિપુણ ભારત મિશન' ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે NCERT દ્વારા તૈયાર કરાયેલ આ 'જાદુઈ પીટારા' ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શિક્ષણ વિભાગની યાદી મુજબ, રાજ્યમાં ૭૪ હજારથી વધુ આવા કિટ્સ આપવામાં આવશે, જેનો લાભ ૧૨.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળશે.
શું છે આ 'જાદુઈ પીટારા'માં?
આ માત્ર એક પેટી નથી, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું એક માધ્યમ છે. આ કિટમાં ટોય બેઝ પેડાગોજી (રમકડાં આધારિત શિક્ષણ) ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં ૩૦ જેટલી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે:
- સંગીત અને કલા: સંગીતના વિવિધ સાધનો અને કલા પ્રવૃત્તિની સામગ્રી.
- રમત-ગમત: પઝલ્સ, મણકા, શૈક્ષણિક રમકડાં અને રસોડા સેટ.
- સર્જનાત્મકતા: પપેટ્સ (કઠપૂતળી) અને વિવિધ પ્રોજેક્ટ વર્ક માટેની સામગ્રી.
- માર્ગદર્શિકા: શિક્ષકો આ સાધનોનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરી શકે તે માટેની ગાઈડલાઈન.
ભાર વિનાનું ભણતર અને સર્વાંગી વિકાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને 'ભાર વિનાનું ભણતર' આપવાનો છે. રમત, સંગીત અને પ્રવૃત્તિ દ્વારા મળેલી જાણકારી બાળકોના મગજમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ દ્વારા સરકારી શાળાઓના વર્ગખંડોનું વાતાવરણ વધુ જીવંત અને આકર્ષક બનાવવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનું નવું સીમાચિહ્ન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો બાદ, 'જાદુઈ પીટારા' પાયાના શિક્ષણ (Foundational Stage) ને મજબૂત બનાવવામાં વધુ એક સીમાચિહ્ન સાબિત થશે. આ પહેલથી બાળકોમાં તાર્કિક ક્ષમતા, કલ્પનાશક્તિ અને સામાજિક કૌશલ્યોનો વિકાસ થશે.
પ્રોજેક્ટની મુખ્ય વિગતો:
| વિગત | માહિતી |
| યોજનાનું નામ | જાદુઈ પીટારા (Jadui Pitara) |
| લાભાર્થી | બાલવાટિકા, ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ |
| કુલ વિદ્યાર્થીઓ | ૧૨.૩૫ લાખ થી વધુ |
| કુલ કિટની સંખ્યા | ૭૪,૦૦૦ થી વધુ |
| શિક્ષણ પદ્ધતિ | ટોય બેઝ પેડાગોજી (પ્રવૃત્તિલક્ષી) |
