Gandhinagar News: એક સમય હતો જ્યારે સામાન્ય બિમારીમાં પણ માણસ હિંમત હારી જતો. એ અરસામાં હૃદય, કિડની, ફેફસાં અને મગજની બિમારીઓનો ભોગ બનેલા દર્દીઓનો મૃત્યુ આંક પણ ઘણો વધારે હતો. એમાંય જો કેન્સર જેવી બિમારીનું નામ પડે એટલે દર્દી સહિત આખું કુટુંબ આશા છોડી દેતો હતો. લોકો સમજતા કે કેન્સર એટલે કેન્સલ. કેન્સરની બીમારી પછી એની સારવારમાં ઉપયોગ થતી કિમોથેરાપીએ પણ ઘણી ખર્ચાળ હતી જેના કારણે સામાન્ય દર્દી તેની સારવાર કરાવી શકતો ન હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 ઓક્ટોબર 2022ના રોજ આરોગ્ય તથા તબીબી સેવાઓને છેવાડાનાં મનુષ્ય સુધી પહોંચાડવા માટે કેટલીક સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના છેવાડાના નાગરિકને કોઈ પણ ગંભીર રોગ સામે તબીબી સેવાઓનું રક્ષણ મળી રહે તે પ્રકારનું સતત આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં થઇ રહ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે 7 નવેમ્બરે ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ’ ઉજવવામાં આવે છે. કેન્સરને હરાવવાના ઉદેશય સાથે રાજ્ય સરકાર દ્વારા અત્યારસુધીમાં તમામ જિલ્લાઓમાં કુલ-25 ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ 2025-26માં નવા 7 નવા ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરવાનો ઉદ્દેશ માત્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારના કેન્સરના દર્દીઓને અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ જેવા સ્થળોની સરકારી હોસ્પિટલો ખાતે કીમોથેરાપીની સારવાર માટે આવવા-જવાનો ખર્ચ અને સમય બચાવવાનો છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે, વર્ષ 2022-23થી વર્ષ 2024-25 બે લાખથી વધુ સેસન દ્વારા કુલ 78 હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે કીમોથેરાપી સારવારનો લીધો છે.
આ સેવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતેના ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) સાથે કરાર કરવામાં આવ્યો છે. GCRI દ્વારા રાજ્યના ચાર સેટેલાઇટ સેન્ટર જેવા કે, અમદાવાદ, સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેથી નજીકની જિલ્લાની હોસ્પિટલોના ડે કેર કીમોથેરાપી સેન્ટરમાં જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. આ સેટેલાઇટ સેન્ટર્સ ખાતેથી સંલગ્ન જિલ્લાઓના કેન્સરના દર્દીઓને જરૂર જણાયે ટેલી કન્સલ્ટંસી સેવાઓ તથા જરૂરી દવાઓ અંગેની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. તબીબી સેવાઓ પૈકી ‘ડે કેર કીમોથેરાપી સેન્ટર’ દ્વારા અપાતી સારવાર એ એક કેન્સરની પ્રથમ સારવાર લીધા પછી કીમોથેરાપીને લગતી સારવાર છે. જે સારવાર દર્દીઓને પોતાના નિવાસ નજીકની જિલ્લા હોસ્પિટલ ખાતેથી સરળતાથી મળી રહે છે.
કેન્સરના રોગની નાગરિકોમાં જનજાગૃતિ આવે અને ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના ગંભીર સ્થિતિના કેસોમાંથી દર્દીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકારે “કોમન કેન્સર સ્ક્રીનીંગ પ્રોજેક્ટ” શરૂ કર્યો છે.આ પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબક્કામાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લામાં સેવા સંલગ્ન તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જેવી સંલગ્ન કેડરને તાલિમ આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં સારા પ્રતિસાદ બાદ સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટને અભિયાન તરીકે શરૂ કરવા ગત 7 ઓક્ટોબર 2025નાં રોજથી રાજ્ય સરકાર તથા ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) એમ બન્નેનાં સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે.
વધુમાં આ પ્રોજેક્ટને સમગ્ર રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ વિવિધ કેડરના જિલ્લાઓમાં તાલિમ યોજવાની કામગીરી અને ત્યારબાદ આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાષયનાં મુખનું કેન્સરની તપાસ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ સ્ટેટ એન.સી.ડી.સેલ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.
