Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે એવું માને છે કે, નવીન વિચારો, ટેક્નોલૉજી-આધારિત ઉકેલો અને યુવા ઉદ્યોગસાહસિકોની શક્તિ દેશના સર્વાંગી વિકાસનો આધાર છે અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મહત્વની ભૂમિકા ભજવશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતને આત્મસાત્ કરતાં રાજ્યમાં સ્ટાર્ટઅપને વ્યાપક પ્રોત્સાહન આપ્યું છે અને રાજ્યમાં SSIP 2.0 જેવી પહેલ થકી ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ગુજરાત ઉદ્યોગસાહસિકતાના કેન્દ્ર તરીકે ઊભર્યું છે અન સતત ચોથી વખત સ્ટાર્ટઅપ રેન્કિંગમાં અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામમાં ગુજરાત દેશમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ છે અને રાજ્યમાં અંદાજીત 16,700 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે.
ગુજરાતમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “યુવાનો પોતાનો બિઝનેસ શરુ કરે અને અન્યો માટે રોજગારનું માધ્યમ બને એ તાકાત સ્ટાર્ટઅપમાં છે. ગુજરાતે એક ઇકોસિસ્ટમ બનાવી છે, જેમાં WEStart અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) જેવા કાર્યક્રમો મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવે છે.”
ગુજરાતની મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ: વિદ્યાર્થીઓને મળે છે સર્વગ્રાહી મેન્ટરશિપ
યુવાનોને ઇનોવેશન માટે સક્ષમ આધાર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પાંચ વર્ષ (2022-2027) માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) જાહેર કરી છે. આ પોલિસી હેઠળ શાળા સ્તરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પાંખો મળે એ માટે તેમને યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને નાણાકીય સહાય આપવામાં આવે છે.

SSIP 2.0 અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં 1543 સ્ટાર્ટઅપને રાજ્ય સરકારે આપી સહાય
ઉલ્લેખનીય છે કે, SSIP 2.0 અંતર્ગત કુલ પાંચ વર્ષ માટે ₹300 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ અંતર્ગત દર વર્ષે ₹60 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે પૈકી ₹30 કરોડ ટેક્નિકલ શિક્ષણ માટે, ₹12 કરોડ i-Hub માટે, ₹10 કરોડ ઉચ્ચ શિક્ષણ માટે અને ₹8 કરોડ શાળા માટે ફાળવવામાં આવે છે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી (SSIP) 2.0 હેઠળ 5684 ઇનોવેશનને રાજ્યની 339 સંસ્થાઓ મારફતે PoC/પ્રોટોટાઈપ બનાવવા અને 2296 IPR ફાઇલ કરવા સમર્થન આપવામાં આવ્યું, અને PoC/ ફંડ સપોર્ટ હેઠળ ₹32.38 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી છે. તો છેલ્લા 4 વર્ષમાં 1543 સ્ટાર્ટઅપને SSIP 2.0 અંતર્ગત રાજ્ય સરકારની સહાય પ્રાપ્ત થઈ છે.
i-Hub દ્વારા 620 જેટલા સ્ટાર્ટઅપ્સને સીધી સહાય મળી
સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત રચાયેલ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) આજે રાજ્યની ઇનોવેશન ઇકોસિસ્ટમનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. 5 ડિસેમ્બર 2023ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા i-Hubના નવા ભવ્ય કેમ્પસનું લોકાર્પણ કર્યું હતું. i-Hub એ રાજ્યમાં ઇનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ માટે કાર્યરત સૌથી મોટી સુવિધા છે, જ્યાં સિંગલ વિન્ડો સપોર્ટ સિસ્ટમ થકી કાયદાકીય, નાણાકીય, તકનીકી તેમજ આયોજનલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. આ સુવિધા પ્રારંભિક તબક્કાના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સને તેમના વિચારોને સફળ ઉદ્યોગો તરીકે વિકસાવવામાં મદદ કરે છે.
i-Hubનું નવું કેમ્પસ આશરે 1.5 લાખ ચોરસ ફૂટ વિસ્તારની જગ્યા ધરાવે છે, જે એક સાથે લગભગ 500 સ્ટાર્ટઅપ્સનો સમાવેશ કરી શકે છે. i-Hub દ્વારા અત્યાર સુધીમાં 620 સ્ટાર્ટઅપ્સને સીધી સહાય આપવામાં આવી છે અને સ્ટાર્ટઅપ સૃજન સીડ સપોર્ટ યોજના અંતર્ગત 402 સ્ટાર્ટઅપ્સને ₹23 કરોડથી વધુની સહાય પ્રદાન કરવામાં આવી છે.
₹15 લાખની ગ્રાન્ટ મેળવીને મનન બટેરીવાલા બન્યા સફળ ઉદ્યોગસાહસિક
i-Hubની મદદથી ‘કીપસેક ઓટોમેશન’ નામની મોટી કંપની ઊભી કરનારા મનન બટેરીવાલા જણાવે છે કે, “મેં મારી સફરની શરૂઆત એક ફ્રીલાન્સર તરીકે કરી હતી. એમાંથી જ્યારે અમે એક કંપની ઊભી કરવાનું વિચાર્યું ત્યારે i-Hubએ અમને કંપનીને કેવી રીતે બનાવવી, તેને આગળ કેવી રીતે લઈ જવી, કમ્પ્લાયન્સ કે લિગલ કોઈપણ પ્રકારની મદદ માટે અમને સપોર્ટ કર્યો. આ ઉપરાંત, સેન્ટરની મદદથી અમે કંપનીની ઓળખ સ્થાપિત કરી શક્યા અને એક્ઝિબિશનનું મંચ પણ મેળવ્યું. આજે અમારી કંપનીમાં 37 લોકો કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર તરફથી અમને કુલ 15 લાખની ગ્રાન્ટ મળી છે. આ સપોર્ટના કારણે આજે હું એક સફળ ઉદ્યોગસાહસિક બન્યો છું.”
i-Hub ના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ દ્વારા 1,400 કુશળ રોજગારનું સર્જન થયું
i-Hub ના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ દ્વારા રાજ્યમાં આશરે 1,400 કુશળ રોજગારનું સર્જન થયું છે, જ્યારે આ સ્ટાર્ટઅપ્સની કુલ માર્કેટ વેલ્યૂ અંદાજે ₹3,569 કરોડ સુધી પહોંચી છે. i-Hub મારફતે સ્ટાર્ટઅપ્સને ₹416 કરોડથી વધુનું ખાનગી ભંડોળ વિવિધ વેન્ચર ફંડ્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સાથે, i-Hub એ 20થી વધુ જિલ્લાઓમાં હબ-એન્ડ-સ્પોક મોડલ દ્વારા પહોંચ વધારી છે અને 4 લાખથી વધુ યુવાનોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે જાગૃત કર્યા છે.
WEstart: મહિલાઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે સશક્ત બનાવતી મહત્વપૂર્ણ પહેલ
સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલાઓના સમાવેશ માટે શરૂ કરાયેલી WEstart પહેલ હેઠળ 196 મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને સહાય આપવામાં આવી છે, જે કુલ સપોર્ટેડ સ્ટાર્ટઅપ્સના લગભગ 30 ટકા જેટલા છે. રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદમાં કાર્યરત આઈ-હબ પછી હવે આગામી એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર સેન્ટર શરૂ કરવામાં આવશે. સ્ટાર્ટઅપની આ મજબૂત ઇકોસિસ્ટમ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.
