ગુજરાત ST કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ! એડવાન્સમાં મળશે અડધો પગાર; હર્ષ સંઘવીએ કરી જાહેરાત

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 101 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 06 Nov 2026 09:58 PM (IST)Updated: Fri, 06 Nov 2026 09:58 PM (IST)
gujarat-st-employees-half-salary-advance-diwali-2026-harsh-sanghavi-announcement

Gandhinagar News: દિવાળી અને ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ST નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એસ.ટી. નિગમના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે તહેવારની ખુશીથી ઉજવણી કરી શકે તે હેતુથી તેમને અડધો પગાર એડવાન્સમાં ચૂકવવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે.

ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 101 નવી ST બસોનું વિધિવત લોકાર્પણ પણ કરવામાં આવ્યું. નવી બસો થકી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે. આ બસો રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવશે, જેનાથી તહેવારોમાં વતન જતા મુસાફરોને મોટો લાભ મળશે.

નવી ST બસોના લોકાર્પણ સમારોહ દરમિયાન હર્ષ સંઘવીએ પ્રોટોકોલથી અલગ અંદાજ અપનાવ્યો હતો. સામાન્ય રીતે મંત્રીઓ દ્વારા કરવામાં આવતા ફ્લેગ ઓફના બદલે તેમણે બસોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતા ST નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કર્મચારીઓને પોતાની સાથે રાખીને તેમના હસ્તે જ નવી બસોને લીલી ઝંડી અપાવી હતી.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં હર્ષ સંઘવીએ નિગમનાડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના કામકાજ અંગે વાતચીત કરીને તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંહ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય રીટાબેન પટેલ, વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ હારીત શુક્લ, GSRTC ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક ડૉ. રાજેન્દ્ર કુમાર, GSRTC સચિવ રવિ નિર્મલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.