Gandhinagar News: ગુમ અથવા તો ચોરાયેલા મોબાઇલને બ્લોક કે ટ્રેસ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત 50.75 ટકાના રિકવરી રેટ સાથે બીજા ક્રમે આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,38,533 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી 1,47,427 હેન્ડસેટ ટ્રેસ થયા છે અને 74,823 મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2026-27 ના છ મહિનામાં ગુજરાતમાં આણંદ જિલ્લો પ્રથમ, ડાંગ જિલ્લો દ્વિતીય અને અમદાવાદ શહેર તૃતીય ક્રમે રહ્યો છે.
ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક કરવા અને તેને ઝડપથી શોધી કાઢવા માટે કાર્યરત 'સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર' (CEIR) પોર્ટલના શ્રેષ્ઠ અમલીકરણ બદલ ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT), ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયા (LSA) દ્વારા ગુજરાત પોલીસના સહયોગથી શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાઓના નોડલ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું છે. તા.27 ઓક્ટોબર 2026ના રોજ આયોજિત વિશેષ સમારોહમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓને શીલ્ડ તેમજ પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા.
નાણાકીય વર્ષ 2026-27 ના તા.1 એપ્રિલ 2026 થી 30 સપ્ટેમ્બર 2026 ના પરફોર્મન્સ ડેટા મુજબ રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓમાં આણંદ, ડાંગ અને અમદાવાદ શહેરની કામગીરી શ્રેષ્ઠ રહી છે. જેમાં પ્રથમ ક્રમમાં આણંદ જિલ્લાના સાયબર સેલ, પી.આઈ. જયમીન ડોડિયા, દ્વિતીય ક્રમમાં ડાંગ જિલ્લાના એલ.સી.બી. પી.એસ.આઈ. જે. જી. અનડકટ તેમજ તૃતીય ક્રમમાં અમદાવાદ શહેરના એ.એસ.આઈ. ભાવેશકુમાર વિષ્ણુપ્રસાદ અને પો.કો. હાર્દિકસિંહ જયંતીલાલ એ શ્રેષ્ઠ કામગીરી કરી છે. આ અધિકારીઓએ ટેકનોલોજી આધારિત અને સિટીઝન સેન્ટ્રીક પોલીસિંગ દ્વારા ગુમ કે ચોરાયેલા મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ તેમજ રિકવર કરવામાં પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે.
મોટા રાજ્યોમાં 50.75% રિકવરી રેટ સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. તા. 26 ઓક્ટોબર 2026 સુધીના ડેટા એનાલિસિસ મુજબ, સમગ્ર દેશમાં મોબાઈલ રિકવરીનો સરેરાશ દર 37.4% રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતે 50.75% નો ઊંચો રિકવરી રેટ હાંસલ કરીને દેશના મોટા રાજ્યોમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,38,533 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંથી 1,47,427 હેન્ડસેટ ટ્રેસ થયા છે અને 74,823 મોબાઈલ સફળતાપૂર્વક મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર 2025 દરમિયાન ગુજરાતનો રિકવરી દર 41% હતો, જેમાં આ વર્ષે ૯.75 ટકાવારી પોઈન્ટનો નોંધપાત્ર વધારો આવ્યો છે.
આ એવોર્ડ વિતરણ સમારોહ સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝના ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવ તેમજ DoT ગુજરાત LSA ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ગિરીશ કટારિયાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત પોલીસ અને DoT વચ્ચેનું મજબૂત સંકલન મોબાઈલ ઉપકરણોના દુરુપયોગને રોકવા, નાગરિકોના કિંમતી મોબાઈલ પરત મેળવવા તેમજ સાયબર છેતરપિંડીના બનાવોને ડામવામાં અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યું છે.
