Gujarat Police News: ગુજરાત પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓના કલ્યાણ તથા તેમના પરિવારના ઉત્થાનને ધ્યાનમાં રાખીને, મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનીટરીંગ કમિટીની બેઠકમાં કેટલાક મહત્ત્વના અને પ્રગતિશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં લેવાયેલા આ નિર્ણયોથી પોલીસ પરિવારોને મોટો લાભ મળશે.
શિક્ષણમાં પ્રોત્સાહન અને આર્થિક સહાયમાં વધારો
પોલીસ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે અપાતી લોનની રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દેશમાં અભ્યાસ કરવા માટે: રૂપિયા 10 લાખ સુધીની લોન મળશે. વિદેશમાં અભ્યાસ (નેશનલ/ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી પી.જી. કોર્સ) માટે: રૂપિયા 15 લાખ સુધીની લોન મળશે (જે પહેલા રૂપિયા 10 લાખ હતી). ધોરણ-12 પછી વિદેશની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં અભ્યાસ માટે: ₹5 લાખની લોન મળશે.
દીકરીઓના ઇનામ સહાયમાં 25%નો વધારો
ખાસ કરીને દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવાના ઉમદા હેતુથી, દીકરીઓને મળવાપાત્ર ઇનામ સહાયની રકમમાં સીધો 25%નો વધારો જાહેર કરાયો છે. આ વધારાની અમલવારી ધોરણ-6થી લઈને ઉચ્ચ પ્રોફેશનલ કોર્સ જેમ કે BE, MBBS, MBA, CA, PhD સુધીના તમામ અભ્યાસક્રમોમાં ઉત્તીર્ણ થનાર દીકરીઓને મળવાપાત્ર ઇનામની રકમમાં થશે.
બાળમંદિરના સ્ટાફના પગાર ધોરણમાં બમણો વધારો
પોલીસ વિભાગના બાળમંદિરોમાં ફરજ બજાવતા સ્ટાફના પગાર ધોરણમાં પણ બમણો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જે તેમના જીવનધોરણને સુધારવામાં મદદરૂપ થશે. બાળમંદિરના શિક્ષિકા બહેનોનો માસિક પગાર રૂપિયા 4,000 માંથી વધારીને રૂપિયા 10,000 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. આયા બહેનોનો માસિક પગાર રૂપિયા 2,500માંથી વધારીને રૂપિયા 5,500 પ્રતિ માસ કરવામાં આવ્યો છે. આ નિર્ણયો ગુજરાત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના મનોબળને વધારવા સાથે તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થશે.
