ગુજરાતમાં બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી: 15 દિવસમાં 38 ઝડપાયા, 35 જેલભેગા

ગુજરાતમાં બોગસ અને ઝોલાછાપ તબીબો સામે આરોગ્ય વિભાગ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાંથી 38 નકલી ડોકટરોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાંથી 35ને જેલભેગા કરાયા છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 10:09 AM (IST)Updated: Wed, 04 Nov 2026 10:09 AM (IST)
gujarat-police-health-department-joint-operation-against-fake-doctors-38-arrested

Gujarat Fake Doctors Arrest: ગુજરાતમાં બોગસ અને ઝોલાછાપ તબીબો સામે પોલીસ અને આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. સરકાર માન્ય ડિગ્રી વગર ડોક્ટરી પ્રેક્ટિસ કરતાં તબીબોને ઝડપી લેવા માટે સરકારના આરોગ્ય વિભાગની વિશેષ ઝુંબેશ હેઠળ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન કરી. આ માટે સમગ્ર રાજ્યમાંથી 297 ટીમોની રચના કરવામાં આવી છે. જેઓએ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કુલ 38 ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.

આ બોગસ ડોક્ટરો માન્ય ડિગ્રી વગર ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી-પછાત વિસ્તારોમાં તબીબી પ્રેક્ટિસ કરતાં હતાં. ગુજરાતના ઘણા સરહદી અને પછાત વિસ્તારોમાં આજે પણ સરકારી દવાખાનામાં તબીબો અને જરુરી સાધન સામગ્રીનો અભાવ છે. જેનો ફાયદો ઉઠાવીને લેભાગુ તત્વો ડોક્ટરનો વેશ ધારણ કરીને સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 38 ઝોલાછાપ તબીબો ઝડપાયા છે.

ઝડપાયેલા બોગસ તબીબોની વિગતો અને કાર્યવાહી

38 બોગસ તબીબો પૈકી રાજકોટ શહેરમાં 17 બોગસ તબીબો, સુરત શહેરમાં 9 બોગસ તબીબો, ગીર સોમનાથ જિલ્લામાંથી 3 અને સુરેન્દ્રનગરમાંથી 2 નકલી તબીબો સામે કડક કાર્યવાહી કરાઈ છે. જ્યારે બાકીના જિલ્લાઓમાંથી 1-1 ઝોલાછાપ તબીબો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઓપરેશનના લીધે ડિગ્રી વગરના ઝોલાછાપ તબીબોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે ઘણા ખરા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છેય

ઝુંબેશ યથાવત્ત, ફરાર તબીબોની શોધખોળ

પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કામગીરી હેઠળ આ ઝુંબેશ યથાવત્ત છે. ફરાર બોગસ તબીબોને પકડવા માટે સઘન સર્ચિંગ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. આ સઘન ઝુંબેશ હેઠળ 35 ઝોલાછાપ તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધીને તેમને જેલ પાછળ ખસેડવામાં આવ્યા છે. આ ખાસ ઓપરેસનમાં પીએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને સ્થાનિક અધિકારીઓને પણ સાંકળી લઈને બોગસ તબીબો સામે કાર્યવાહી વધુ આકરી કરવામાં આવી છે.