ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ, PM ગતિ શક્તિ પોર્ટલ સાથે સંકલનથી બનશે સુદૃઢ ડેટાબેઝ

આ પ્રોજેક્ટ હેઠળ 'ઉદ્યોગ પોર્ટલ' પર નોંધાયેલા તમામ મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જીયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 10:37 AM (IST)Updated: Thu, 17 Sep 2026 10:37 AM (IST)
gujarat-manufacturing-msme-gis-mapping-pm-gati-shakti-portal-integration-gipl
Gujarat MSME 

Gujarat MSME GIS Mapping: ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્રના આયોજન અને નીતિ ઘડતરને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSME નું મેપિંગ’ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 'ઉદ્યોગ પોર્ટલ' પર નોંધાયેલા તમામ મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જીયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં આવશે.

GIPL દ્વારા મુલાકાત અને ડેટા ચકાસણી હાથ ધરાશે

કેન્દ્ર સરકારના MSME મંત્રાલયની ‘રેઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ’ (RAMP) યોજના અંતર્ગત PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSME નું મેપિંગ પ્રોજેક્ટ હેઠળ આ સમગ્ર મેપિંગ અને જિયો-ટેગિંગ કામગીરીની જવાબદારી 'ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ' (GIPL) ને સોંપવામાં આવી છે. પ્રોજેક્ટના ભાગરૂપે GIPL ના અધિકૃત પ્રતિનિધિ દ્વારા રાજ્યના મેન્યુફેક્ચરિંગ MSME એકમોની રૂબરૂ મુલાકાત લેવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન એકમોનું જીયો-ટેગિંગ કરવા ઉપરાંત જરૂરી માહિતીનું એકત્રીકરણ અને ચકાસણી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે MSME કમિશનરની કચેરી દ્વારા રાજ્યના તમામ એકમો અને ઉદ્યોગ સંગઠનોને GIPL ના પ્રતિનિધિઓને સંપૂર્ણ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

માળખાકીય સુવિધાઓ અને નીતિ ઘડતરમાં મોટો લાભ

GIS આધારિત આ મેપિંગથી રાજ્યના MSME એકમોનો એક સંકલિત અને સુવ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર થશે. આ ડેટા બેઝના આધારે રાજ્યમાં માળખાકીય સુવિધાઓનું સુવ્યવસ્થિત આયોજન કરી શકાશે. જેથી નવી નીતિ ઘડતર અને વિવિધ સરકારી યોજનાઓના વધુ અસરકારક અમલીકરણમાં મદદ મળશે.

આ ઉપરાંત PM ગતિ શક્તિ પોર્ટલ સાથે ડેટા સંકલિત થવાથી આયોજન અને નિર્ણય પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે. વધુમાં, MSME એકમોના ચોક્કસ સ્થાન અને સંબંધિત વિગતો ઉપલબ્ધ થવાથી જરૂરિયાત આધારિત સહાય અને સુવિધાઓ પહોંચાડવામાં મદદ મળશે.