Gandhinagar News: આજથી વર્ષ 2026 નો પ્રારંભ થયો છે. નવું વર્ષ સારું જાય તેવી આશા સાથે લોકોએ પ્રથમ દિવસનો આરંભ કર્યો છે, પરંતુ ગુજરાતના કેટલાક IAS-IPS અધિકારીઓ માટે નવા વર્ષ તો પહેલા દિવસે જ શુભ સાબિત થયો છે. ગુજરાત પોલીસ વિભાગના 14 જેટલા IPS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાક IAS અધિકારીઓને પણ પ્રમોશન આપવામાં આવ્યું, અને કેટલાક અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ માળખામાં મોટા ફેરફાર
ગુજરાત રાજ્યના 14 IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે.વડોદરા શહેરના પોલીસ કમિશનર IPS નરસિંમ્હા એન. કોમારને DGP કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે, તેમનો ગ્રેપ પે લેવલ 16 નો રહેશે. સુરત શહેરના ડેપ્યુટી કમિશનર ડૉ. કરણરાજ વાઘેલાને DIG તરીકે પ્રમોટ કરાયા છે. આ ઉપરાંત 1996ની બેચના IPS અને ગાંધીનગરના ADG ડૉ. એસ. રાજકુમારને પણ DGP તરીકે બઢતી આપવામાં આવી છે. અમદાવાદ શહેરના એડિશનલ કમિશનર IPS નીરજ બડગુજરને IGP તરીકે બઢતી આપી છે. ગાંધીનગર ઇન્ટેલિજન્સ વિભાગમાં SP તરીકે સેવારત ડૉ. સુધિરકુમાર દેસાઈને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો





ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવ્યો
ગુજરાતમાં DGP તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ DGP તરીકે ડૉ. કે. એલ. એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. નવા DGP તરીકે રાવની નિમણૂક થયાના કલાકોમાં જ ગુજરાતના 14 IPS અધિકારીના પ્રમોશન ઓર્ડર છૂટ્યા છે. આ ઉપરાંત, ગુજરાતના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.


IAS અધિકારીઓને પણ મળ્યા પ્રમોશન
2013ની બેચના 13 IAS અધિકારીઓના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવ્યો છે. તેમને હવે લેવલ 13 પે મેટ્રિક્સ મુજબ પગાર તથા અન્ય ભથ્થા ચૂકવાશે. ગુજરાતના નાણા વિભાગમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કાર્યરત IAS ડૉ. ટી. નટરાજનને ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યું છે. ઈન્ડસ્ટ્રીયલ અને માઈન્સ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી IAS મમતા વર્માને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પ્રમોટ કર્યા છે.
