વિદેશથી MBBS કરનાર વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે ઇન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઇપેન્ડ વધારીને ₹21,840 કર્યું

ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી MBBS પાસ કરીને આવતા ઇન્ટર્ન ડોક્ટરો માટે મોટો નિર્ણય લેવાયો છે. હવે તેમને સામાન્ય ઇન્ટર્ન સમકક્ષ પ્રતિ માસ ₹21,840 સ્ટાઇપેન્ડ મળશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 05 Oct 2026 05:52 PM (IST)Updated: Mon, 05 Oct 2026 05:52 PM (IST)
gujarat-hikes-stipend-for-foreign-mbbs-interns-to-21840
(AI Image)

Gujarat Medical News: રાજ્ય સરકાર દ્વારા તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને ગુજરાતમાં ફરજિયાત ઇન્ટર્નશીપ કરવા આવતા તબીબી વિદ્યાર્થીઓને હવેથી અન્ય સામાન્ય ઇન્ટર્ન ડોક્ટરોની જેમ જ સમાન માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે.

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, યુવાઓના હિતને હંમેશા પ્રાધાન્ય આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે વિદેશથી MBBS અભ્યાસક્રમ પાસ કરીને આવેલા ઇન્ટર્ન તબીબોના પ્રશ્ને આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.

નેશનલ મેડિકલ કમિશનના નિયમો મુજબ નિર્ણય

નેશનલ મેડિકલ કમિશન (NMC), ન્યુ દિલ્હીના નિયમો અનુસાર, વિદેશમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફરતા દેશના પ્રત્યેક તબીબી વિદ્યાર્થીએ ભારતમાં ફરજિયાતપણે એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે. આ નિયમ અંતર્ગત ગુજરાતની સરકારી અને જીએમઇઆરએસ (GMERS) મેડિકલ કોલેજોમાં ઇન્ટર્નશીપ કરતા આવા તમામ MBBS ઇન્ટર્ન તબીબોને હવે રાજ્યના અન્ય સામાન્ય ઇન્ટર્ન તબીબો સમકક્ષ જ પ્રતિ માસ ₹21,840/- (એકવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા)નું માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓને મળશે સીધો લાભ

રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના કારણે, નેશનલ મેડિકલ કમિશનના માર્ગદર્શક નિયમો મુજબ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યની સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજો ખાતે ઇન્ટર્નશીપ પોસ્ટીંગ મેળવનારા વિદ્યાર્થીઓને મોટો આર્થિક સહારો મળશે. આગામી સમયમાં આ યોજના હેઠળ આશરે 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રતિ માસ આ સ્ટાઇપેન્ડનો સીધો લાભ મળતો થશે.

વિદેશથી ભણીને આવેલા યુવા તબીબોને મળશે પ્રોત્સાહન

વિદેશની યુનિવર્સિટીઓમાં કપરા સંજોગો અને લાંબા સંઘર્ષ બાદ મેડિકલનો અભ્યાસ પૂરો કરીને પોતાના વતન અને રાજ્યમાં સેવા આપવા માટે પરત ફરતા હોનહાર તબીબી વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય એક મોટું મનોબળ પૂરું પાડનાર સાબિત થશે. સરકારના આ આર્થિક ટેકા અને પ્રોત્સાહક પગલાંને કારણે તબીબી ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી રહેલા યુવાનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના આ સંવેદનશીલ અભિગમ બદલ મેડિકલ જગતમાંથી પણ સરકારની આ પ્રશંસનીય પહેલને આવકારવામાં આવી રહી છે.