Gujarat Unseasonal Rain: રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તારીખ 1 નવેમ્બર, 2025ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
મંત્રી પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.
વધુમાં, મંત્રીએ જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે. જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. મંત્રીએ દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો અને 108 મેડિકલ વાનમાં એન્ટિ વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. આ મિટિંગમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણ, અધિક નિયામક નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
