9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશેઃ કૃષિમંત્રીએ કહ્યું- પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદાશે

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 06:00 PM (IST)Updated: Wed 05 Nov 2025 06:00 PM (IST)
gujarat-govt-to-begin-msp-procurement-from-november-9-125-mds-groundnut-per-farmer-632921

Gandhinagar News: ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી આગામી 9 નવેમ્બરથી શરૂ થશે. આ ખરીદી આશરે રૂ. 15 હજાર કરોડથી વધુના મૂલ્યની હશે અને મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરાયો છે.

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436 નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણષ વેચવી નહીં પડે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને મગફળી મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7,263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8,768 પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7,800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5,328 પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.