Gandhinagar: રાષ્ટ્રીય પ્રતીકો અને નામના ઉપયોગ સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકારનો આદેશ; જાણો કયા શબ્દ નહીં વાપરી શકાય

સરકારી નામ, પ્રતીકો અને રાષ્ટ્રીય હોદ્દાનો દુરુપયોગ સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકારે ઝુંબેશ શરૂ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 17 Sep 2026 12:59 PM (IST)Updated: Thu, 17 Sep 2026 12:59 PM (IST)
gujarat-govt-action-national-emblems-government-names-misuse-private-entities-act-1950
AI Generated Image

Misuse of Govt Emblems: વ્યાપારિક લાભ મેળવવા તેમજ સામાન્ય નાગરિકોને ભ્રમિત કરવા માટે સરકારી નામ, રાષ્ટ્રીય પ્રતીકો અને હોદ્દાનો દુરુપયોગ કરતી ખાનગી સંસ્થાઓ તેમજ NGOs સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરવા ઝુંબેશ શરૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને 'પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, 1950'નું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

શું છે કેન્દ્ર સરકારનો પરિપત્ર અને નવો નિર્ણય?

કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને પાઠવવામાં આવેલાપરિપત્રના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ સરકારી વિભાગ જેવા લાગતા નામોનો ઉપયોગ કરી રહી છે. વધુમાં, ક્ષેત્રિય તપાસમાં બહાર આવ્યું કે ઘણી ખાનગી સંસ્થા પોતાની ઓફિસના બોર્ડ, લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાની આબેહૂબ નકલ છાપે છે. જેના કારણે સામાન્ય નાગરિકો છેતરાઈને ખાનગી કામોને સરકારી સમજી પોતાના નાણાં અને અગત્યના દસ્તાવેજો ગુમાવે છે.

'બ્યુરો' કે 'મંત્રાલય' શબ્દોના ઉપયોગ માટે મંજૂરી

સરકારની નવી સૂચનાઓ અનુસાર, કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત અનુમતિ વિના કોઈપણ ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો કે વ્યાપારી પેઢીઓ પોતાની સંસ્થાના નામમાં સરકારી શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં, જેમાં:

બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય

જો કોઈ ખાનગી કંપની કે સંસ્થાએ આ શબ્દોનો ઉપયોગ કરવો હોય, તો તેણે પોતાના નામની સાથે જ એવું સ્પષ્ટ દર્શાવવું પડશે કે આ એક "ખાનગી સાહસ" છે અને તેને સરકાર સાથે કોઈ લેવાદેવા કે સરકારી ઉદ્દેશ નથી.

રજિસ્ટ્રેશન તબક્કે જ ફાઈલ નામંજૂર કરવા આદેશ

'પ્રતીકો અને નામો (અયોગ્ય ઉપયોગ નિવારણ) અધિનિયમ, 1950' અંતર્ગત રજિસ્ટ્રાર ઓફ સોસાયટીઝ, રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ અને કો-ઓપરેટિવ ડિપાર્ટમેન્ટ સહિતની તમામ રજીસ્ટ્રેશન કચેરીઓને અરજીના સ્ક્રિનિંગ અને રજિસ્ટ્રેશન તબક્કે જ આવી ભ્રામક નામ વાળી ફાઈલ નામંજૂર કરી દેવા કડક આદેશ આપવામાં આવ્યા છે.

જો કોઈ નામ અંગે શંકા કે વિવાદ ઊભો થાય તો તે બાબત કેન્દ્ર સરકારના ધ્યાને મૂકવાની રહેશે અને કેન્દ્ર સરકારનો નિર્ણય જ આખરી ગણાશે. આ બાબત રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલી હોવાથી કાયદાનો અનાદર કરનાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.