Gujarat GEPC 2026: રાજ્ય સરકારે ગુજરાતને વૈશ્વિક નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ અને સેવાઓને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ વ્યાપક ઓળખ અપાવવા તથા નાના-મોટા ઉદ્યોગોને વૈશ્વિક વેપારની તકોનો લાભ મળે તે માટે ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ (GEPC) નામની વિશેષ હેતુવાળી સંસ્થા (SPV) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના નિકાસલક્ષી પ્રયાસોને સમર્પિત સંસ્થાકીય માળખું મળશે. 3 નવેમ્બર, 2026ના ઠરાવ અનુસાર GEPCની સ્થાપના કંપની અધિનિયમ, 2013ની કલમ-8 હેઠળ રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની બિનનફાકારક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કરવામાં આવશે. તેનું રજિસ્ટર્ડ કાર્યાલય ગાંધીનગર ખાતે રહેશે.
નિકાસ વિકાસને ઔદ્યોગિક વિકાસની વ્યૂહરચના સાથે જોડવાનો પ્રયાસ
ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા વધારવા માટે રચાયેલી ટાસ્ક ફોર્સ કમિટીએ નિકાસ વિકાસને રાજ્યના ઔદ્યોગિક વિકાસના ત્રણ મુખ્ય આધારસ્તંભ પૈકીનો એક ગણાવ્યો હતો. ભારતને 5 ટ્રિલિયન અમેરિકન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં ગુજરાતની ભૂમિકા મજબૂત કરવા તૈયાર કરાયેલા અહેવાલમાં નિકાસ માટે સમર્પિત સંસ્થાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.
આ જ દિશામાં ગુજરાત રાજ્ય ઇન્સટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા મે, 2025માં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના અંગે અહેવાલ તૈયાર કરાયો હતો. ત્યારબાદ તે બાબતે ઉદ્યોગ કમિશનરેટની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
MSME અને સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક બજારમાં પ્રવેશ માટે સહયોગ
GEPCનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના MSME એકમો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડવાનો છે. નાના અને મધ્યમ ઉદ્યોગો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા હોવા છતાં વિદેશી બજારની માંગ, નિકાસ પ્રક્રિયા, આંતરરાષ્ટ્રીય નિયમો અને જરૂરી પ્રમાણપત્રોની જાણકારીના અભાવે નિકાસની પૂરતી તકો મેળવી શકતા નથી. GEPC આવા ઉદ્યોગોને બજારની ઓળખ, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રવેશવાની વ્યૂહરચના, બિઝનેસ કન્સલ્ટન્સી, મેન્ટરિંગ અને હેન્ડહોલ્ડિંગ જેવી સેવાઓ પૂરી પાડશે.
ઉદ્યોગસાહસિકો અને નિકાસકારોની ક્ષમતા વધારવા તાલીમ, વર્કશોપ, સેમિનાર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ ઉપરાંત દેશ-વિદેશના વેપાર મેળા અને માર્કેટિંગ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સરકારી સંસ્થાઓ તથા વેપારી સંગઠનોના સહયોગથી તકો ઊભી કરવામાં આવશે.
ડિજિટલ પ્લેટફોર્મથી લોજિસ્ટિક્સ સુધીની સુવિધાઓ
નિકાસની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા GEPC દ્વારા ડિજિટલ ટ્રેડ પ્લેટફોર્મ, એક્સપોર્ટર પોર્ટલ, કોમન ફેસિલિટી સેન્ટર, ઇન્ક્યુબેશન સેન્ટર, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન સુવિધાઓ તથા લોજિસ્ટિક્સ સપોર્ટ સિસ્ટમ વિકસાવવાનો ઉદ્દેશ છે.
નિકાસકારોને ઉત્પાદનની ગુણવત્તા ચકાસણી, આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો, ટ્રેડ ફાઇનાન્સ, વીમા, માલ મોકલતા પહેલાં અને મોકલ્યા બાદની નાણાકીય સુવિધાઓ તથા સપ્લાય ચેઇન સંબંધિત સહયોગ મળશે. આ સાથે માર્કેટ ઇન્ટેલિજન્સ, ટ્રેડ એનાલિટિક્સ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બ્રાન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.
સ્થાનિક ઉત્પાદનોને મળશે વૈશ્વિક બજાર
રાજ્યના નિકાસ વિકાસને મોટા ઔદ્યોગિક શહેરો પૂરતો મર્યાદિત રાખવાને બદલે જિલ્લા સ્તરે પહોંચાડવા GEPC દ્વારા રાજ્યની એક્સપોર્ટ પ્રમોશન સ્ટ્રેટેજી સાથે દરેક જિલ્લા માટે અલગ ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન પ્લાન તૈયાર કરવામાં આવશે અને સમયાંતરે અપડેટ કરવામાં આવશે.
આ માટે જિલ્લાવાર ઉત્પાદન ક્ષમતા, સ્થાનિક ઔદ્યોગિક વિશેષતાઓ, બજારની માંગ અને નિકાસની સંભાવનાઓનું વિશ્લેષણ કરાશે. જિલ્લા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPC) તથા અન્ય પ્રાદેશિક અને ક્ષેત્રવાર સંસ્થાઓના માધ્યમથી સ્થાનિક સ્તરે નિકાસલક્ષી પ્રવૃત્તિઓનું સંકલન અને મોનિટરિંગ કરવામાં આવશે. આથી જિલ્લાઓનાં વિશિષ્ટ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવા માટે આયોજનબદ્ધ પ્રયાસો થઈ શકશે.
‘મેડ ઇન ગુજરાત’ને વૈશ્વિક બ્રાન્ડ બનાવવાની પહેલ
ગુજરાતના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા વૈશ્વિક બ્રાન્ડિંગ અને માર્કેટિંગ અભિયાનો હાથ ધરવામાં આવશે. વિદેશી બજારોમાં ગ્રાહકોમાં ગુજરાતનાં ઉત્પાદનો અંગે જાગૃતિ વધારવા તથા આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણની ભાગીદારી વિકસાવવા પ્રયાસો કરાશે.
નિકાસ વધારવાની સાથે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે પણ GEPC કામગીરી કરશે. આયાત આધારિત મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ કરીને સ્થાનિક વિકલ્પો વિકસાવવા ઉત્પાદકોને ટેક્નિકલ, નાણાકીય અને સલાહકારી સહયોગ આપવામાં આવશે. તેનાથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ મળશે.
AI, બ્લોકચેઇન અને ગ્રીન ટેક્નોલોજીથી નિકાસ ક્ષેત્રનું આધુનિકીકરણ
વૈશ્વિક વેપારની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિકાસ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેઇન, ડિજિટાઇઝેશન અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવી અદ્યતન ટેક્નોલોજી અપનાવવા પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રીન ટેક્નોલોજી, પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય ધોરણોનું પાલન કરીને ટકાઉ નિકાસને પણ પ્રોત્સાહિત કરાશે.
આ ઉપરાંત વિદેશી બજારોમાં પેટન્ટ, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ જેવા બૌદ્ધિક સંપદા અધિકારો મેળવવા તથા આંતરરાષ્ટ્રીય વેપાર વિવાદો, કાનૂની પ્રશ્નો અને નોન-ટેરિફ બેરિયર્સનો સામનો કરવા નિકાસકારોને સહયોગ મળશે.
રાજ્ય સરકારની સંપૂર્ણ માલિકીની કંપની GEPC
GEPCની પ્રારંભિક અધિકૃત મૂડી અને પેઇડ-અપ મૂડી રૂ. 1 લાખ નક્કી કરવામાં આવી છે. કંપનીની 100 ટકા શેર મૂડી ગુજરાતના રાજ્યપાલશ્રીના નામે રાજ્ય સરકારના અધિકૃત નોમિનીઓ દ્વારા રાખવામાં આવશે. કાયદાકીય જોગવાઈઓ અનુસાર કંપનીને ભવિષ્યમાં ભંડોળ ઊભું કરવાની અને બેન્કો તથા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવાની સત્તા રહેશે.
કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ 15 સભ્યો રહેશે. રાજ્યના મુખ્ય સચિવશ્રી બોર્ડના અધ્યક્ષ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ/અગ્ર સચિવ/સચિવ ઉપાધ્યક્ષ રહેશે. ઉદ્યોગ કમિશનર મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી સંભાળશે. બોર્ડમાં બંદરો અને વાહનવ્યવહાર, કુટિર અને ગ્રામોદ્યોગ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, MSME કમિશનર, GIDC, iNDEXTb, ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ તથા નાણાં વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી તકો
આમ, ‘ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ’ની સ્થાપનાથી રાજ્યના નિકાસકારો, MSME અને સ્ટાર્ટઅપ્સને એક સંકલિત પ્લેટફોર્મ હેઠળ માર્ગદર્શન અને સહયોગ આપવાની વ્યવસ્થા ઊભી થશે. જિલ્લા સ્તરની ઉત્પાદન ક્ષમતાને વૈશ્વિક બજાર સાથે જોડવા, સ્થાનિક ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય બ્રાન્ડિંગ કરવા અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી નિકાસની સ્પર્ધાત્મકતા વધારવાની દિશામાં આ નિર્ણય ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી તકો પૂરી પાડશે.
