Forest Employees Mass CL: ગુજરાત વન વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે તેમની પડતર માંગણીઓને લઈને મોરચો માંડ્યો છે. બુધવારથી જ તમામ વન રક્ષકો અને વનપાલો માસ સીએલ પર ઉતરી ગયા છે અને સાથે જ અનિશ્ચિત મુદતની હડતાળની જાહેરાત કરી છે. જ્યારે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ વિરોધમાં જોડાયા છે. જેના લીધે વિભાગીય કામગીરી ઠપ થઈ ગઈ છે.
વન કર્મચારીઓની માંગણીઓ
વન રક્ષક અને વનપાલ દ્વારા લાંબા સમયથી ચાલી આવતા પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે મુખ્ય રજૂઆત કરવામાં આવી છે. વન કર્મચારીઓની મુખ્ય કમાણીઓની વાત કરીએત તો, વન રક્ષકોના વેતન ધોરણ અને ગ્રેડ પેમાં વધારો, સીધી ભરતી પ્રક્રિયા બંધ કરી લાંબા સમયથી સેવા આપતા સિનિયર વન રક્ષકોને પ્રમોશન, ખાતાકીય પરીક્ષા પાસ કરેલા વનપાલોને RFO Class-2માં બઢતી, જોખમી વિસ્તારમાં કામગીરી કરતાં વનરક્ષકો અને વનપાલોને સિક્યુરિટી અલાઉન્સ ચૂકવવું જેવી માંગણીઓ સરકાર સમક્ષ રાખી છે.
અનિશ્ચિત આંદોલનની આપી ચીમકી
લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને માસ સીએલ પર ઉતરેલા વન કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તમામ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ અનિશ્ચિત મુદ્તની હડતાળ યથાવત્ત રખાશે.
ગીરના સિંહોની સુરક્ષા પર અસરની શક્યતા
વન વિભાગના કર્મચારીઓ અચાનક માસ સીએલ અને હડતાળ પર ઉતરી જતાં એશિયાટીક સિંહોના ઘર ગીર અભયારણ્ય (Gir National Park) સહિત સમગ્ર રાજ્યના જંગલ વિસ્તારોમાં સુરક્ષા ચોકીઓ અને પેટ્રોલિંગ કામગીરી પર મોટી વિપરીત અસર પડી શકે તેમ છે. સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા, વહીવટી કામગીરી તેમજ રેસ્ક્યૂ ઓપરેશન ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
