Balika Panchayat in Gujarat: ગુજરાત હવે માત્ર ઉદ્યોગોમાં જ નહીં, પણ દીકરીઓના સામાજિક સશક્તિકરણમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના મંત્રને સાર્થક કરતા ગુજરાત રાજ્યએ દેશમાં પ્રથમવાર ‘બાલિકા પંચાયત’ મોડલ અમલી બનાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે.
બાલિકા પંચાયત મોડલ લાગુ કરનાર પ્રથમ રાજ્ય "ગુજરાત"
ગુજરાત બાલિકા પંચાયત મોડલ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યની 13,000 થી વધુ ગ્રામ પંચાયતોમાં આ નવતર પ્રયોગનો અમલ કરવામાં આવ્યો છે. બાલિકાઓમાં નેતૃત્વ (Leadership) અને લોકશાહીની પ્રક્રિયાની સમજ કેળવવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા યુનિસેફના (UNICEF) સહયોગથી ખાસ તાલીમ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે.
કચ્છથી શરૂ થયેલી સફર...
આ ક્રાંતિકારી વિચારની શરૂઆત કચ્છ જિલ્લાના મોટા અંગિયા અને મસ્કા ગામથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. તેની સફળતા જોયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હવે તેને સમગ્ર રાજ્યમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા 13,000 થી વધુ ગ્રામ પંચાયતોમાં 'બાલિકા પંચાયત' કાર્યરત કરવામાં આવી છે.
ગુજરાતની દીકરીઓનો સર્વાંગી વિકાસ
બાલિકા પંચાયત દ્વારા કિશોરીઓને માત્ર રાજકારણ જ નહીં, પણ જીવનના દરેક તબક્કે કામ આવે તેવા વિષયો પર માહિતગાર કરવામાં આવશે.
- પોષણ અને આરોગ્ય: એનિમિયા અને કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો
- સામાજિક જાગૃતિ: જેન્ડર ભેદભાવ, બાળ લગ્ન અને સ્ત્રી ભ્રૂણહત્યા વિરુદ્ધ અભિયાન
- કાયદાકીય જ્ઞાન: બાળ અધિકારો, સુરક્ષા અને સંરક્ષણ માટેના કાયદા
- વહીવટી સમજ: પંચાયતી રાજની કાર્યપ્રણાલી અને નિર્ણય લેવાની ક્ષમતા
કેવી રીતે અપાઈ રહી છે તાલીમ?
ગુજરાત સરકારે UNICEF ના સહયોગથી તૈયાર કરેલા ખાસ તાલીમ મોડ્યુલને બે તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. આ બે તબક્કામાં કર્મયોગીઓને ટ્રેનિંગ આપી દીકરીઓને તાલીમ આપનાર ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરવામાં આવશે.
- પ્રથમ તબક્કો: ICDS અને મહિલા કલ્યાણના કર્મયોગીઓને Training of Trainers (ToT) અપાઈ
- બીજો તબક્કો: ક્લસ્ટર પ્રમાણે 1,900 થી વધુ ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરવામાં આવશે
24 જાન્યુઆરી: રાષ્ટ્રીય બાલિકા દિવસ
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સશક્તીકરણ’ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે. 2008થી શરૂ થયેલ આ દિવસ હવે ગુજરાતમાં દીકરીઓના આત્મસન્માન અને મક્કમ સંકલ્પનું પ્રતીક બની ગયો છે.
