Agri Loan Interest Subsidy Scheme Gujarat: રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર 2% વ્યાજ સહાય પેટે રૂ. 174.07 કરોડની જંગી રકમ મંજૂર કરવામાં આવી છે.
ગત 6 મહિનાના ધિરાણ પર મળશે 2% વ્યાજ સહાય
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને 'ખેડૂતલક્ષી તથા સહકાર-તરફી' અભિગમ માટે કટિબદ્ધ છે. તા. 1/04/2025 થી તા. 30/09/2025 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકોએ પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપે ધિરાણ પર 2% વ્યાજ રાહત મંજૂર કરાઈ છે.
13%ના વ્યાજ સામે હવે માત્ર 7%ના દરે મળશે પાક ધિરાણ
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અગાઉ મોટાભાગની સહકારી બેંકોનું 'કોસ્ટ ઓફ ફંડ' વધુ હોવાથી ખેડૂતોને 10% થી 13%ના ઊંચા વ્યાજદરે ધિરાણ આપવું પડતું હતું. ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે અને સહકારી ધિરાણ માળખું ટકાઉ બને તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2009-10થી 2% વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી છે. સરકાર આ વ્યાજનો તફાવત પોતે ભોગવે છે, જેના પરિણામે આજે ખેડૂતોને માત્ર 7%ના સસ્તા અને રાહત દરે પાક ધિરાણ મળી રહ્યું છે.
10,900થી વધુ મંડળીઓનું ત્રિ-સ્તરીય નેટવર્ક
રાજ્યમાં 1 રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10,900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)નું મજબૂત માળખું કાર્યરત છે. આ માળખા દ્વારા રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવે છે.
જે ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો પહોંચી નથી, ત્યાં આ સહકારી માળખું જ ખેડૂતો માટે ધિરાણનો મુખ્ય આધાર છે. રાજ્યના આશરે 33% નાના અને સીમાંત ખેડૂતો આ વ્યવસ્થા સાથે જોડાયેલા છે, જેમના માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.
