ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SSR)નો નવો કાર્યક્રમ જાહેર, જાણો અરજી કરવાની અને આખરી યાદી પ્રસિદ્ધ થવાની નવી તારીખો

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (SSR)નો નવો સુધારેલ કાર્યક્રમ જાહેર કરાયો છે. 27 નવેમ્બરથી નવી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. જાણો વાંધા-દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 29 Oct 2026 04:04 PM (IST)Updated: Thu, 29 Oct 2026 04:04 PM (IST)
gujarat-eci-voter-list-revision-202627-new-schedule-out

ECI Revised Schedule 2026-27: લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21 હેઠળ 01 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને 15 ઓક્ટોબર, 2026ના રોજ ECI દ્વારા ગુજરાત સહિત દેશના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ ખાસ સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી હતી. આ રાજ્યોમાં આંદામાન અને નિકોબાર, અસમ, બિહાર, છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, મણિપુર, પુડુચેરી, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જોકે, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્ય માટેના શિડ્યુલમાં આ સુધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત માટે SSRનો નવો અને સુધારેલો કાર્યક્રમ

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સુધારેલા કાર્યક્રમ મુજબ, 17 નવેમ્બર, 2026 સુધી મતદાન મથકોનું પુનર્ગઠન અને રૅશનલાઇઝેશન કરવામાં આવશે. ત્યારબાદ 27 નવેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ પબ્લિકેશન મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. નાગરિકો 27 નવેમ્બર, 2026 થી 26 ડિસેમ્બર, 2026 દરમિયાન પોતાના વાંધા અને દાવાઓ રજૂ કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ વાંધા-દાવાઓનો આખરી નિકાલ 11 જાન્યુઆરી, 2027 સુધીમાં કરી દેવામાં આવશે અને ત્યારબાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ આખરી (Final) મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

ક્રમ પ્રક્રિયા / કામગીરી આખરી / સુધારેલી તારીખ
1 મતદાન મથકોનું પુનર્ગઠન/રૅશનલાઇઝેશન 17.11.2026 સુધી
2 એકીકૃત મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ (Draft Publication) 27.11.2026
3 વાંધા અને દાવાઓ રજૂ કરવાનો સમયગાળો 27.11.2026 થી 26.12.2026
4 વાંધા-દાવાઓનો આખરી નિકાલ કરવાની તારીખ 11.01.2027 સુધી
5 આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ (Final Publication) 18.01.2027

સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ અને આગોતરી અરજીની સુવિધા

આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ 01 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ લાયકાત ધરાવતા નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધવાનો છે. આ ઉપરાંત, ચૂંટણી પંચ દ્વારા યુવાનોને એક વિશેષ સુવિધા પણ આપવામાં આવી છે, જે અંતર્ગત 2026ના વર્ષમાં આવનારી પછીની ત્રણ લાયકાતની તારીખો (1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027)ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા નાગરિકો પણ અત્યારથી જ આગોતરી (Advance) અરજીઓ સબમિટ કરી શકશે.

મુખ્ય નિર્વાચન અધિકારીની નાગરિકોને અપીલ

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા રાજ્યના તમામ લાયક નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા યુવાનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ નિયત સમયગાળા દરમિયાન પોતાના નામ નોંધાવવા, જૂની વિગતોમાં સુધારા કરાવવા અથવા સ્થળાંતર અંગેની અરજીઓ સમયસર પૂર્ણ કરી લે.