Gujarat Ration Distribution: દિવાળીના પાવન પર્વ પર રાજ્યના લાખો પરિવારોનો તહેવાર આનંદમય બની રહે તે માટે ગુજરાત સરકાર અને પુરવઠા વિભાગ દ્વારા એક મોટો અને લોકઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ, રાજ્યના પાત્ર લાભાર્થીઓને નવેમ્બર-2026 માસનો મળવાપાત્ર અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો તહેવાર અગાઉ જ એડવાન્સમાં ફાળવી દેવામાં આવ્યો છે.
મુખ્ય વિશેષતાઓ અને આંકડાઓ પર એક નજર
કુલ અનાજ વિતરણ: 1.7 લાખ મેટ્રિક ટનથી વધુ અનાજ અને જરૂરી ચીજવસ્તુઓ વ્યાજબી ભાવની દુકાનો (FPS) સુધી સફળતાપૂર્વક પહોંચાડાઈ છે.
ખાસ વ્યવસ્થા: ઓક્ટોબર માસથી જ 'ડોર સ્ટેપ ડિલિવરી' સુચારુ રૂપે શરૂ કરી દેવામાં આવી હતી.
રજાઓમાં પણ કામગીરી: નિગમના તમામ ગોડાઉનો પર સવારે વહેલાથી લઈને રાત્રે મોડે સુધી અને જાહેર રજાઓમાં પણ અવિરત કામગીરી ચાલી હતી.
કઈ ચીજવસ્તુઓનો કેટલો જથ્થો પહોંચ્યો?
ડોર સ્ટેપ ડિલિવરીની વર્તમાન સ્થિતિ મુજબ, સરકારે પારદર્શકતા અને સમયબદ્ધતા જાળવીને મોટાભાગનો જથ્થો સમયસર પહોંચતો કર્યો છે:
ઘઉં: કુલ 68,600 મે.ટન પરમિટ સામે 68,503 મે.ટન (99.91%) જથ્થો FPS સુધી પહોંચતો કરાયો છે.
ચોખા: કુલ 86,252 મે.ટન પરમિટ સામે 86,170 મે.ટન (99.90%) જથ્થો ઉપલબ્ધ કરાયો છે.
કઠોળ અને ખાંડ (100% સપ્લાય)
ચણા: કુલ 5,885 મે.ટન પરમિટ સામે 100% જથ્થો.
તુવેર દાળ: કુલ 5,978 મે.ટન પરમિટ સામે 100% જથ્થો.
ખાંડ: કુલ 4,194 મે.ટન પરમિટ સામે પણ પૂરે-પૂરો 100% જથ્થો વ્યાજબી ભાવની દુકાનો સુધી પહોંચી ગયો છે.
લાભાર્થીઓ માટે રાહત: લાઈનોમાંથી મુક્તિ
અન્ન અને નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, વાજબી ભાવની દુકાનો (FPS) દ્વારા પણ આ જથ્થો ખૂબ જ ઉત્સાહપૂર્વક લાભાર્થીઓને એડવાન્સમાં જ વિતરિત કરવામાં આવી રહ્યો છે. તહેવારોના દિવસોમાં અનાજ મેળવવા માટે લોકોને લાબું રાહ જોવી ન પડે અથવા લાઈનોમાં ઊભું ન રહેવું પડે તે માટે પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાને કારણે સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દિવાળીના પર્વ પર રાજ્યનો કોઈ પણ રેશનકાર્ડ ધારક કે પાત્ર લાભાર્થી તેમને મળવાપાત્ર જથ્થાથી વંચિત ન રહે તે માટે સમગ્ર પુરવઠા તંત્ર ઉત્સાહ અને ખંત સાથે સતત કાર્યરત રહ્યું છે.
