Gujarat Diwali Holiday 2026: દિવાળીના પાવન પર્વ પર ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મોટો અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે વતનમાં જઈને તહેવારની ધામધૂમથી ઉજવણી કરી શકે તે હેતુસર સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
કઈ તારીખે છે રજાઓ અને શું છે વ્યવસ્થા?
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા કેલેન્ડર વર્ષ 2026 મુજબ-
- 08 નવેમ્બર 2026 (રવિવાર): દિવાળીની જાહેર રજા છે.
- 10 નવેમ્બર 2026 (મંગળવાર): નૂતન વર્ષ દિનની જાહેર રજા છે.
- 11 નવેમ્બર 2026 (બુધવાર): ભાઇબીજની જાહેર રજા છે.
આ રજાઓની વચ્ચે આવતી 09 નવેમ્બર 2026 (સોમવાર)ના રોજ અગાઉ સરકારી કચેરીઓ ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. પરંતુ કર્મચારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને સરકારે હવે એવું નક્કી કર્યું છે કે 09 નવેમ્બરના સોમવારે પણ તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે.
કચેરીઓ ક્યારે ચાલુ રહેશે?
સોમવાર તારીખ 09/11/2026ના રોજ મળનાર રજાના બદલામાં આગામી 28 નવેમ્બર 2026 (ચોથા શનિવાર)ના રોજ તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે અને કામકાજ હાથ ધરવામાં આવશે.
કોને લાગુ પડશે આ નિયમ?
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ હુકમો આ તમામ સંસ્થાઓ અને કચેરીઓને લાગુ પડશે-
- ગુજરાત સરકારની તમામ કચેરીઓ
- પંચાયત કચેરીઓ
- રાજ્ય સરકાર હસ્તકના તમામ બોર્ડ અને કોર્પોરેશનો
નોંધનીય છે કે આ રજા વટાઉખત અધિનિયમ, 1881ની જોગવાઇઓ હેઠળ જાહેર કરવામાં આવી નથી. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ (પ્રોટોકોલ) જ્વલંત ત્રિવેદી દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
