Cyber Crime: વિદેશમાં નોકરીની લાલચ આપી બંધક બનાવી સાયબર ગુના કરાવવાના રેકેટનો પર્દાફાશ, પોરબંદરથી એક આરોપીની ધરપકડ

આ ગુનામાં સંડોવાયેલા આરોપી અને તેના સબ-એજન્ટો દ્વારા એક સમાન ગુનાહિત ઈરાદાથી ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોના નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 05 Nov 2025 06:43 PM (IST)Updated: Wed 05 Nov 2025 06:43 PM (IST)
gujarat-cyber-cell-busts-cyber-slavery-racket-one-accused-from-porbandar-arrested-632947

Gandhinagar News: ગુજરાત રાજ્યના નાગરિકોને વિદેશમાં ઊંચા પગારવાળી નોકરી અપાવવાની લાલચ આપી દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી માનવ તસ્કરી આચરવામાં આવતી હોવાનું ખુલ્યું છે. આવા કિસ્સાઓમાં ભોગ બનનાર વ્યક્તિઓને લાંબા સમય સુધી બંધક બનાવી, શારીરિક અને માનસિક ત્રાસ આપી, તેમની પાસે સાયબર ક્રાઈમના ગુનાઓ કરાવવામાં આવતા હતા. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ સાયબર ક્રાઈમ રેકેટ દ્વારા આર્થિક લાભ મેળવતી ગેંગના એક સભ્યને ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

પોરબંદર ખાતેથી એક આરોપીની ધરપકડ

વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓને રોકવા માટે સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝના પોલીસ મહાનિદેશક ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક (ક્રાઈમ-૨) પરીક્ષિતા રાઠોડ દ્વારા કડક અને સઘન કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને, પોલીસ અધિક્ષકો ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ ડી.પી.આઈ. એમ.આર. રાદડિયાની ટીમે આ સમગ્ર પ્રકરણનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણના આધારે, સાયબર સેન્ટર ઑફ એક્સલન્સ, ગાંધીનગરની ટીમે પોરબંદર ખાતેથી એક આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા

આ ગુનામાં સંડોવાયેલા આરોપી અને તેના સબ-એજન્ટો દ્વારા એક સમાન ગુનાહિત ઈરાદાથી ગુજરાત તેમજ ભારતના અન્ય રાજ્યોના નાગરિકોને નિશાન બનાવવામાં આવતા હતા. તેઓને વિદેશમાં ઊંચા પગારવાળી ડેટા એન્ટ્રી જોબની લાલચ આપી દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની ટિકિટ બુક કરાવી બેંગકોક, થાઈલેન્ડ બોલાવવામાં આવતા હતા. એરપોર્ટ પર પહોંચતા જ ચીની ગેંગના એજન્ટો દ્વારા ભોગ બનનારના પાસપોર્ટ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવતા હતા.

ત્યારબાદ, તેઓને ગેરકાયદેસર રીતે અને બળપૂર્વક મોઈ નદી પાર કરાવી મ્યાનમારના સરહદી વિસ્તારમાં આવેલા કે.કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતેના ચાઈનીઝ હબમાં લઈ જવામાં આવતા હતા. અહીં, પીડિતોને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ડેટિંગ એપ દ્વારા છેતરપિંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા, જે એક પ્રકારની ‘સાયબર સ્લેવરી’ હતી. સહકાર ન આપનાર પીડિતોને શારીરિક અને માનસિક રીતે હેરાન-પરેશાન કરીને લાંબા સમય સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવતા હતા.

ઝડપાયેલા આરોપી હિતેષ સોમૈયા અને તેની ગુનાહિત પ્રવૃત્તિઓ

આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીની ઓળખ હિતેષ અરજણ સોમૈયા (રહે. વણકરવાસ, બસસ્ટેન્ડ પાસે, રામદેવપીર મંદિરની સામે, બોખીરા, પોરબંદર) તરીકે થઈ છે. તેની પાસેથી એક મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યો છે. હિતેષ સોમૈયા તેના સબ-એજન્ટો સાથે મળીને ગુજરાતના લોકોને ઉંચા પગારની વિદેશી નોકરીના નામે છેતરી, દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલી, માનવ તસ્કરી આચરતો હતો. પીડિતોને છ મહિના કે તેથી વધુ સમય માટે ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી, શારીરિક અને માનસિક ત્રાસ આપી, સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરીને આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ અને ચાઈનીઝ સાયબર માફિયાને આર્થિક લાભ કરાવી આપતો હતો.

વિદેશમાં નોકરીની ઓફર સ્વીકારતા પહેલા રાખવી પડતી સાવચેતીઓ

વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કોઈ પણ એજન્ટ મારફતે વિદેશ જતા પહેલાં, જે કંપનીમાં નોકરી ઓફર કરવામાં આવી છે તેની સંપૂર્ણ ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે. કંપની કયા પ્રકારનું કામ કરે છે, તેની નોંધણી સાચી છે કે નહીં, અને જોબ પ્લેસમેન્ટ લેટર તથા વિઝાનો પ્રકાર કયો છે, તેની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ વિદેશ જવાનું સાહસ કરવું જોઈએ. એજન્ટો દ્વારા આપવામાં આવતી કોઈપણ લોભામણી લાલચમાં ફસાતા પહેલાં તેની સચોટ માહિતી મેળવી લેવી હિતાવહ છે.

મુશ્કેલીમાં મુકાતા અથવા શંકા ઊભી થતા તાત્કાલિક સંપર્ક કરવો

જો વિદેશમાં નોકરી માટે ગયેલા કોઈ વ્યક્તિને આ પ્રકારનો બનાવ બને અથવા કોઈ શંકા ઊભી થાય, તો તાત્કાલિક ભારત સરકાર અથવા જે-તે દેશમાં આવેલી ભારતીય એમ્બેસીનો કોઈપણ રીતે સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિના સંતાનો વિદેશમાં ટુરિસ્ટ વિઝાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ પરત ન આવ્યા હોય, તો તેમના વાલીઓએ તુરંત ભારત સરકાર અથવા પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો. સમયસરની જાણકારી મોટા સંકટને ટાળી શકે છે.

સાયબર ક્રાઈમનો ભોગ બનનાર માટે હેલ્પલાઇન

ઉપરોક્ત જણાવેલ કોઈપણ પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને, તો તેણે તુરંત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન - 1930 પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. ત્વરિત કાર્યવાહી દ્વારા પીડિતોને મદદ પૂરી પાડી શકાય છે અને ગુનેગારોને કાયદાના સકંજામાં લાવી શકાય છે.