Gujarat CM Fellowship Scheme: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સને વધુ અસરકારક બનાવવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગુણાત્મક સુધારા લાવવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપનો વ્યાપ વધારવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ફેલોની સંખ્યા 41 થી વધારીને 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારીને 45 કરવામાં આવી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યના વિવિધ વિકાસલક્ષી ક્ષેત્રોમાં સંશોધન, નીતિ વિશ્લેષણ, વહીવટી સંકલન અને સરકારી યોજનાની કામગીરીના મૂલ્યાંકન માટે યુવા પ્રતિભાની ભાગીદારીને વધુ વ્યાપક બનાવવામાં આવશે. GAD દ્વારા કરવામાં આવેલા નવા ઠરાવ મુજબ આ કાર્યક્રમમાં IIM અમદાવાદ 'નોલેજ પાર્ટનર' તરીકે કાર્ય કરશે. આ સાથે જ નોલેજ પાર્ટનર દ્વારા નિયુક્ત થનાર વરિષ્ઠ ફેકલ્ટી સભ્યની ભૂમિકા પણ ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, CM ફેલોશિપ કાર્યક્રમનો મુખ્ય હેતુ જ્ઞાન, સંશોધન ક્ષમતા અને વિશ્લેષણાત્મક અભિગમ ધરાવતા યુવાનોને એકથી બે વર્ષ માટે રાજ્યના વહીવટી તંત્ર સાથે જોડીને સરકારની કામગીરીનો અનુભવ આપવાનો છે. સાથે જ તેમની ક્ષમતાનો ઉપયોગ સામાજિક સેવાઓના વિકાસ, જનહિતલક્ષી યોજનાઓને વધુ પરિણામલક્ષી બનાવવા અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા માટે કરવાનો છે.
45 પ્રોજેક્ટમાં વિકાસના અનેક ક્ષેત્રો આવરી લેવાયા
ફેલોશિપના વિસ્તૃત કાર્યક્ષેત્રમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ, શહેરી વહીવટ, પર્યાવરણ અને જાહેર વહીવટ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ્સ દ્વારા યોજનાઓના અમલીકરણમાં આવતી મુશ્કેલીઓ ઓળખવા, ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવા અને વિભાગોને વ્યવહારુ સુધારાત્મક સૂચનો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આંગણવાડી, પોષણ અને બાળશિક્ષણને પ્રાથમિકતા
બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંગણવાડી, પોષણ, એનિમિયા ઘટાડવા, બાળશિક્ષણ અને પરસ્પર જોડાયેલી લાઈબ્રેરીઓ જેવા વિષયોનો પણ ફેલોશિપ કાર્યક્રમમાં સમાવેશ થયો છે. PM POSHAN મધ્યાહન ભોજન યોજના અને ICDSના અમલીકરણને વધુ સુદૃઢ બનાવવા રાજ્યમાં સેન્ટ્રલાઈઝ્ડ કિચન સુવિધાઓના વિસ્તરણ અંગેનો પ્રોજેક્ટ પણ સામેલ છે. આવા અભ્યાસથી યોજનાઓની પહોંચ, સેવાઓની ગુણવત્તા અને અમલીકરણમાં સુધારા માટે ઉપયોગી ભલામણો તૈયાર થઈ શકશે.
આરોગ્ય-કૃષિ ક્ષેત્રે અમલીકરણની ખામીઓનો અભ્યાસ
ફેલોશિપ કાર્યક્રમ હેઠળ આરોગ્ય ક્ષેત્રે સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA યોજના હેઠળના ક્લેમ અને સરકારી આરોગ્ય સેવાના ઉપયોગ સંબંધિત પડકારોનો અભ્યાસ કરવામાં આવશે. તેનો હેતુ પ્રક્રિયાને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવા તથા આરોગ્ય સેવાઓના અમલીકરણમાં સુધારાની શક્યતા ઓળખવાનો છે. કૃષિ ક્ષેત્રે કુદરતી ખેતીના અમલીકરણમાં આવતા પડકારો અને ખેડૂતો સુધી યોજનાઓના લાભ પહોંચાડવામાં ઊભી થતી મુશ્કેલીઓનું વિશ્લેષણ કરાશે. તેના આધારે સંબંધિત વિભાગોને ઉપયોગી સૂચનો મળી શકશે.
‘વિકસિત ગુજરાત@2047’ માટે ડેટા આધારિત અભિગમ
આ નિર્ણય મુજબ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના લાંબા ગાળાના વિકાસના લક્ષ્યને અનુરૂપ ‘વિકસિત ગુજરાત@2047’ માટે પુરાવા આધારિત નીતિ સંશોધન, ડેટા વિશ્લેષણ અને પ્રાથમિકતા ધરાવતા વિકાસ પ્રોજેક્ટસના મોનિટરિંગને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરની સમિતિની કામગીરી, નિર્ણયો પર અનુસરણ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સુધારવા અંગે પણ અભ્યાસ કરવામાં આવશે. પ્રોજેક્ટ્સમાં જરૂરિયાત મુજબ AI આધારિત સાધનોના ઉપયોગથી માહિતીનું વર્ગીકરણ, સારાંશ અને મહત્ત્વના મુદ્દાઓની પ્રાથમિક ઓળખ કરવાની જોગવાઈ છે. AI દ્વારા તૈયાર થયેલી માહિતીની મૂળ દસ્તાવેજો અને ડેટા સાથે ચકાસણી કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવાનો અભિગમ રાખવામાં આવ્યો છે.
શહેરી સેવાઓ અને પર્યાવરણલક્ષી વિકાસ પર ભાર
શહેરી વહીવટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની નાગરિક સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવી, ફરિયાદોના પુનરાવર્તનને અટકાવવું અને ડેટા વિશ્લેષણ દ્વારા સમસ્યાનું આગોતરું નિવારણ કરવું જેવા વિષયોનો પણ સમાવેશ છે. ભાવનગરમાં ઘન અને ભીના કચરાના રિસાયક્લિંગ તથા સંસાધનોના પુનઃઉપયોગ અંગેના પ્રોજેક્ટ પણ સામેલ છે.
આમ, ફેલોની સંખ્યા અને પ્રોજેક્ટ્સમાં થયેલો વધારો યુવા પ્રતિભાઓને સરકારી કામગીરી સાથે જોડવાની સાથે વિવિધ ક્ષેત્રોમાં સંશોધન અને વ્યવહારુ સુધારાની તકો વિસ્તારે છે. આ પહેલથી સરકારી યોજનાઓના અમલીકરણ, વહીવટી સંકલન અને રાજ્યના વિકાસલક્ષી લક્ષ્યોને વધુ અસરકારક બનાવવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે.
