BJP Gujarat: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, આજે ગાંધીનગરના કોબા સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે ગુજરાત ભાજપાની મહત્વપૂર્ણ પ્રદેશ બેઠક યોજાઈ હતી. આ બેઠક પ્રદેશ પ્રભારી તરુણ ચુઘની વિશેષ ઉપસ્થિતિમાં તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સંપન્ન થઈ હતી.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ સહ પ્રભારીઓ અજય મહાવરજી, ગોમતી સાઈજી, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજી સહિત પ્રદેશ પદાધિકારીઓ અને જિલ્લા તથા મહાનગરના પ્રમુખ-પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ભાજપાના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અને જનજાતિ ગૌરવ અભિયાન સહિતના આગામી સંગઠનાત્મક કાર્યક્રમો પર વિસ્તૃત મંથન કરવામાં આવ્યું હતું.
સુનિયોજિત સંગઠન અને ગુણાત્મક કાર્યપદ્ધતિ પર ભાર: તરુણ ચુઘ
પ્રદેશ બેઠકને માર્ગદર્શન આપતા પ્રદેશ પ્રભારી તરુણ ચુઘએ જણાવ્યું હતું કે, સંગઠન વ્યવસ્થાને વધુ સુનિયોજિત બનાવીને પ્રદેશથી લઈને બુથ સ્તર સુધી સંવાદ અને સમન્વય સાધવાની ગુણાત્મક કાર્યપદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે. તેઓએ ભાજપાની વિકાસ અને રાષ્ટ્રવાદની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા અને વિપક્ષના અપપ્રચારને તથ્યો સાથે સખત રીતે ઉજાગર કરવા ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને ખાસ આહ્વાન કર્યું હતું.

જનકલ્યાણકારી યોજનાઓ અને જનસંપર્ક વધારવા પર ભાર: જગદીશભાઈ વિશ્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં સ્થાનિક સ્તરે અસરકારક જનસંપર્ક વધારવા વિશેષ ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોની સાચી માહિતી દરેક નાગરિક સુધી પહોંચાડવા તેમણે અનુરોધ કર્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 31 વર્ષથી અને દેશમાં 13 વર્ષથી સત્તાવિહોણા તેમજ જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા વિપક્ષ દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવાના સતત ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે, જેની સામે સાચી હકીકતો જનતા સમક્ષ મૂકવી જરૂરી છે.

‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાનની સમીક્ષા
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ બેઠકમાં ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત અત્યાર સુધી થયેલા કાર્યક્રમોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા, મહાનગર તથા મંડલ સ્તરે સંગઠનાત્મક બેઠકોના આયોજન અને દિવાળી બાદ યોજાનાર વિધાનસભા સ્તરના સ્નેહમિલન સમારોહ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટે રાજ્યભરમાં યોજાનાર યુવા સંવાદ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. જ્યારે પ્રદેશ મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટે પદયાત્રાના ઝોનવાર આયોજન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને આઉટરિચ પ્રોગ્રામ્સ વિશે માહિતી આપી હતી.

ઉપરાંત, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાએ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આગામી 11 થી 18 નવેમ્બર દરમિયાન યોજાનાર ‘જનજાતિય ગૌરવ અભિયાન‘ના વિવિધ કાર્યક્રમોની વિગતો રજૂ કરી હતી.
આ પ્રદેશ બેઠકમાં સ્વાગત પ્રવચન પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવેએ કર્યું હતું, જ્યારે સમગ્ર બેઠકનું સફળ સંચાલન પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે સંભાળ્યું હતું.
