TB Mukt Bharat: દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.
લોકભવન ખાતે યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તેમજ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતને ક્ષયમુક્ત બનાવવા 'જન-આંદોલન' પર ભાર
બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને એક વ્યાપક જન-આંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ ઢીલાશ ન રાખવા તાકીદ કરી હતી. સાથે જ ટી.બી.ના દર્દીઓને નશામુક્તિ અંગે તેમજ 'ટીબી મુક્ત ભારત પંચાયત' માટે લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ટીબીના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી સચોટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે સખત કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આગામી સમય માટેના નવા લક્ષ્યાંકો અને આધુનિક મશીનોની ખરીદી
બેઠકમાં રાજ્યપાલ અને આરોગ્ય મંત્રી સમક્ષ ટી.બી. મુક્ત ગુજરાત માટેના આગામી લક્ષ્યાંકો રજૂ કરાયા હતા. હાલમાં રાજ્યમાં 2,351 માઇક્રોસ્કોપી સેન્ટર, 3 અત્યાધુનિક ટીબી કલ્ચર લેબોરેટરી, 74 CBNAAT મશીનો અને 393 TrueNAT મશીનો કાર્યરત છે.
નવા મશીનો: વર્ષ 2026-27 દરમિયાન પ્રત્યેક તાલુકા અને વધુ ભારણ ધરાવતા જિલ્લાઓ માટે નવા 100 TrueNAT મશીનો ખરીદાશે, જેથી 100% અપફ્રન્ટ NAAT ટેસ્ટિંગ થાય.
પોર્ટેબલ એક્સ-રે: ઘર-ઘર જઈને તપાસ કરવા માટે વધારાના 294 પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો વસાવવામાં આવશે.
ટીબી દર્દીઓ માટે પોષણયુક્ત આહાર અને વિનામૂલ્યે સારવાર
ગુજરાતમાં ટીબીનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ સબ-સેન્ટર અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આ ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ અને 14 વર્ષથી નાના તમામ બાળકોને 6 મહિના સુધી 'રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ' આપવામાં આવશે.
વડાપ્રધાને આપેલા દિશાસૂચનો મુજબ નોડલ અધિકારીઓ, સ્વયંસેવકો અને NCC કેડેટ્સની ટીમ દ્વારા ટી.બી અટકાવવા સઘન પ્રયાસો થઈ રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, અગ્ર સચિવ મેહુલ દવે, આરોગ્ય કમિશ્નર ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
