Relief Package Gujarat: માવઠાનો માર સહન કરનાર ખેડૂતો માટે સારા સમાચાર, ટૂંક સમયમાં રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરશે

ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું કે, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા કટિબદ્ધ છે. ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 02 Nov 2025 12:29 PM (IST)Updated: Sun 02 Nov 2025 12:32 PM (IST)
good-news-for-farmers-affected-by-unseasonal-rain-gujarat-govt-to-announce-relief-package-soon-630982

Gandhinagar News: ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા રાજ્ય સરકાર ખેડૂતોની પડખે ઊભી હોવાની ખાતરી આપી છે અને આગામી દિવસોમાં રાહત-સહાય પેકેજ જાહેર કરવાની જાહેરાત કરી છે.

સર્વેની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ રીતે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી તંત્ર દ્વારા અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી પોતે આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંકલનમાં છે.

ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરાશે

ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કર્યું કે, ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા કટિબદ્ધ છે. આ હેતુસર, આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવશે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય મળી શકે.

હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો

આ જાહેરાત બાદ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ અભિગમ અને ત્વરિત કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે સર્વેની તાત્કાલિક શરૂઆત અને ઝડપથી રાહત આપવાના નિર્ણયને 'પ્રો-એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ' ગણાવ્યો હતો.

ધરતીપુત્રોની પડખે ઉભા રહેવાનો અભિગમ દાખવ્યો

ગઇકાલે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને જરૂરી દિશાનિર્દેશો આપીને આપદાના આ સમયે ધરતીપુત્રોની પડખે ઉભા રહેવાનો અભિગમ દાખવ્યો છે. કમોસમી વરસાદના આ સંજોગોમાં થયેલા નુકસાન સામે ખેડૂતમિત્રોને હાલાકી ન પડે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરવાના રાજ્ય સરકારના આ ખેડૂતહિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય બદલ માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ગુજરાતના ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.